ગુજરાતમાં સાયબર ક્રાઈમની દુનિયામાં ખળભળાટ મચાવતા 2500 કરોડના કૌભાંડમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત અત્યાર સુધીમાં 1500 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી હતી, જેમાં તપાસનો ધમધમોટ તેજ કરતા આજે વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ મહાકૌભાંડમાં કુલ આરોપીઓનો આંકડો 20 પર પહોંચ્યો છે.

સિસ્ટમનો દુરુપયોગ કરી ખેલ ખેલાયો

તપાસમાં બહાર આવ્યું છે કે, ખાનગી બેંકમાં બેંકર તરીકે ફરજ બજાવતા મૌલિક કામાણીએ બેંકના મેનેજર સાથે મળીને સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ ટોળકીએ ભેગા મળીને અન્ય વ્યક્તિઓના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. એટલું જ નહીં, આ એકાઉન્ટ્સમાં ખોટી સહીઓ કરાવીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પાર પાડવામાં આવ્યા હતા. મૌલિક બેંકિંગ સિસ્ટમનો જાણકાર હોવાથી તેણે છટકબારીઓનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

APMCના ખાતા અને જામનગર કનેક્શન

આ કૌભાંડમાં જામનગર પંથકના બેંક અધિકારી કલ્પેશ ડાંગરિયાની પણ મુખ્ય ભૂમિકા સામે આવી છે. કલ્પેશે મુખ્ય સૂત્રધાર સાથે મળીને APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ના નામે પણ બોગસ ખાતા ખોલાવ્યા હોવાનું ખુલ્યું છે. આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ વિદેશી સાયબર માફિયાઓ દ્વારા નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હજુ પણ આ કેસમાં મોટા માથાઓની ધરપકડ થઈ શકે છે.


આ પણ વાંચો----    Ahmedabad : ચાંદખેડામાં બાળકીઓના રહસ્યમય મોતનો કેસ, FSL રિપોર્ટ બાદ હવે ડૉક્ટરોના અભિપ્રાય પર નજર