મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે, એ.સી.બી.એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે.આપણે જે કામ કરીએ કે ફરજ બજાવીએ તેમાંથી આત્મસંતોષ થાય તેવી આપણી ફરજ નિષ્ઠા હોય જેથી આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ જ ઉજવવો ન પડે તેવું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી.
10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન કર્યું હતું.
4 હિંમતવાન નાગરિકોનું સન્માન
એટલું જ નહીં, કોઈને કોઈ કામ માટે લાંચ માગનારા ભ્રષ્ટાચારી અધિકારીઓ ખુલ્લા પાડી એ.સી.બી.માં તેમની સામે અવાજ ઉઠાવીને અને ફરિયાદ કરીને તેમને ઝબ્બે કરાવનારા 4 હિંમતવાન નાગરિકોને અને ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનના સતર્કતા સપ્તાહ દરમિયાન યોજાયેલી નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા 12 છાત્રોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
એ.સી.બી.ની એવી કડક અને સતર્ક છાપ ઊભી કરીએ કે ખોટું કરનારાને સતત ભય રહે
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપણને આપેલો છે. આપણે દિન પ્રતિદિન વિકાસ કરતા જઈએ છીએ તેની સાથે જ હક્ક બહારનું લેવાય જ નહીં એવી જે આપણી સંસ્કાર વિરાસત છે તેને પણ જાળવી રાખીએ અને આપણા કાર્યમાંથી જ આત્મસંતોષ શોધીએ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવાય જ નહીં એવી ઝીરો ટોલરન્સની પ્રતિબદ્ધતા સાથે વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રી કાર્યરત છે. આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં અગ્રેસર રહેવું છે અને એ માટે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે એ.સી.બી. કડકાઈથી પેશ આવે તે આવશ્યક છે. મુખ્યમંત્રીએ એ.સી.બી.એ ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા કહ્યું કે, એ.સી.બી.ની એવી કડક અને સતર્ક છાપ ઊભી કરીએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં. આના પરિણામે ભ્રષ્ટાચાર અટકશે અને ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
એસીબીની સમગ્ર ટીમને અભિનંદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારરૂપી ઉધઈને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરતી એસીબીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના એટલે કે માત્ર નાના લોકોને જ નહીં, પણ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે. પાછલા ત્રણ વર્ષમાં, ૩૪ ક્લાસ-વન અને ૯૮ ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે. ચાલુ વર્ષે ૧૯૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ૨૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશન ગંગાજળ
મુખ્યમંત્રીના મૃદુ અને મક્કમ સ્વભાવનો ઉલ્લેખ કરીને રાજ્યમાં ચાલેલા ઓપરેશન ગંગાજળને ટાંકીને હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આક્રમકતા અને ઝીરો ટોલરન્સની નીતિથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ મક્કમતાથી પગલાં લઈ રહ્યા છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા તેના સાક્ષી છે. સંઘવીએ ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકીને જણાવ્યું કે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ટેકનોક્રેટ છે. આ ટીમ દ્વારા ભ્રષ્ટાચાર સામે આવતી અરજીઓ અને તેની કાર્યવાહી માટે હજુ પણ AI સહિતની વિવિધ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો---- SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી