ભારતીય સંસ્કૃતિના રક્ષકોના બલિદાનને યાદ કરવા અને આસ્થાના કેન્દ્રોનું મહત્વ નવી પેઢી સુધી પહોંચાડવા માટે સોમનાથમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી થઈ રહી છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઉત્સવની પૂર્વ તૈયારીઓની વિગતો આપતા જણાવ્યું કે, સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો ભારતીયોની અતૂટ આસ્થાનું પ્રતીક છે.

72 કલાક સુધી ઓમકારના જાપ કરાયા

મુખ્ય આકર્ષણો અને આધ્યાત્મિક આયોજનમાં 72 કલાક અખંડ ૐકાર જાપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સાકાર કરતા, વિશ્વ કલ્યાણ અર્થે ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક સુધી ઓમકારના જાપ કરવામાં આવી રહ્યા છે. તા. 10 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધારશે. તેમના અભિવાદન માટે ૧૦૮ ઘોડાઓની શૌર્ય યાત્રા અને આધુનિક ડ્રોન શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે સોમનાથનો જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કર્યું હતું, તે જ ભાવના સાથે આ પર્વ ઉજવાઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના આધ્યાત્મિક કેન્દ્રોનો વિકાસ થયો

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના આધ્યાત્મિક કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના સાધુ-સંતો દ્વારા ભવ્ય રેવાડી કાઢવામાં આવશે, જેમાં લાખો ભક્તો જોડાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સોમનાથની આ દિવ્યતા વચ્ચે વડાપ્રધાન રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પણ ભાગ લેશે, જે સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપશે. આ પર્વ માત્ર ભક્તિ જ નહીં, પરંતુ ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિના જતનનો એક મજબૂત સંદેશ છે.


  • Follow us on: