ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઉભી થયેલી ચર્ચાઓ વચ્ચે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગેસ પુરવઠા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે પહેલાથી જ યોગ્ય પ્લાનિંગ કરી રાખ્યું છે જેથી લોકોને અને ઉદ્યોગોને કોઈ મુશ્કેલી ન પડે.

પશ્ચિમી આફીકાથી એલએનજી કમી ન રહે તે માટે આયોજન

મંત્રીએ જણાવ્યું કે ગેસની અછત ન સર્જાય તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ આફ્રિકાના દેશોમાંથી એલએનજી (LNG) પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ કમિટી

આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક ખાસ કમિટી બનાવવામાં આવી છે, જે ગેસ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે સરકાર પાસે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગેસ પુરવઠામાં કોઈ કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

LPG સિલિન્ડરમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં

તેમણે વધુમાં જણાવ્યું કે ઘરેલુ ઉપયોગ માટેના LPG સિલિન્ડરમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. લોકોમાં ભય ફેલાય તેવી અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ તેમણે કરી હતી. સરકાર પાસે LPG, CNG તેમજ પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું.

ઉદ્યોગોને આશરે 80 ટકા પુરવઠો મળી રહે તે માટે આયોજન

કોમર્શિયલ ગેસના મુદ્દે પણ સરકાર ચિંતિત હોવાનું જણાવી તેમણે કહ્યું કે ઉદ્યોગોને આશરે 80 ટકા પુરવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સરકારનો પ્રયાસ છે કે લોકોને તકલીફ ન પડે અને ગેસના ભાવમાં વધારો ન કરવો પડે.

કાળા બજારીયાઓને ચેતવણી

મંત્રીએ કાળા બજારીયાઓને ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ ગેરરીતિ કરશે અથવા ગેરકાયદેસર સંગ્રહ કરશે તો સરકાર સખત કાર્યવાહી કરશે. જરૂર પડશે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઊંચા ભાવ ચૂકવીને પણ લોકો માટે ગેસ અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશે.


આ પણ વાંચો---      Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી