ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર થવાને મંત્રી ઋષિકેશ પટેલે ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'દાદા' (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ)ની સરકારે આ બિલ લાવીને ખરા અર્થમાં રાજ્યની દીકરીઓને બચાવવાનું અને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
બાબા સાહેબે UCCની તરફેણ કરી હતી
ઋષિકેશ પટેલે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું કે, "ખુદ બાબા સાહેબે પણ દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) હોવી જોઈએ તેની પ્રબળ તરફેણ કરી હતી. ભાજપે હંમેશા મહિલાઓના હિતનો વિચાર કર્યો છે અને આજે ગુજરાતમાં તે ઐતિહાસિક બિલ પસાર કરીને અમે તે સંકલ્પ પૂરો કર્યો છે."
કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ પર નિશાન
કોંગ્રેસના વલણની ટીકા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમે દીકરીઓના અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે કોંગ્રેસ કુરાન અને શરીયતની વાતો કરીને ચોક્કસ વોટબેંક સાચવવાની રાજનીતિ કરી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અનેક વિદેશી દેશોમાં પણ બહુપત્નીત્વ પર પ્રતિબંધ છે, તો ભારતમાં કેમ નહીં? આ કાયદાથી સૌથી વધુ ફાયદો મુસ્લિમ મહિલાઓને થશે, કારણ કે તેમને હવે કાયદાકીય હક અને સમાનતા મળશે.
UCC એક મોટું પરિવર્તન લાવશે.
મંત્રીએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે ભાજપ સરકાર જ્ઞાતિ-ધર્મથી ઉપર ઉઠીને મહિલાઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ છે અને UCC તે દિશામાં એક મોટું પરિવર્તન લાવશે.
આ પણ વાંચો---- Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર