ગુજરાતમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેગના તાજેતરના રિપોર્ટમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગની પોલ ખુલી ગઈ છે. રિપોર્ટ મુજબ, ગુજરાતના રસ્તાઓ પર પ્રદૂષણ ફેલાવતા નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે અને લાખો વાહનો માન્ય PUC પ્રમાણપત્ર વગર દોડી રહ્યા છે.

CAG રિપોર્ટનો ગંભીર ખુલાસો

વર્ષ 2019 થી 2024 સુધીના પાંચ વર્ષના આંકડાઓની સમીક્ષા કરતા CAG એ નોંધ્યું છે કે રાજ્યમાં અંદાજે 69,26,536 જેટલા વાહનો પાસે માન્ય PUC પ્રમાણપત્ર નથી. આ આંકડો રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વાહનોની તપાસ માટે વિકસાવવામાં આવેલી 'ઈ-ડિટેક્શન સિસ્ટમ' લાંબા સમયથી નિષ્ક્રિય પડી હોવાની ટકોર પણ કેગ દ્વારા કરવામાં આવી છે.

તંત્રનો લૂલો બચાવ

આ ગંભીર બેદરકારી મામલે જ્યારે વાહન વ્યવહાર કમિશનર પાસે ખુલાસો માંગવામાં આવ્યો, ત્યારે તેમનો જવાબ હાસ્યાસ્પદ અને લૂલો સાબિત થયો છે. કમિશનરે તમામ જવાબદારી વાહન ચાલકો પર ઢોળતા જણાવ્યું કે, પ્રમાણપત્ર લેવાની નૈતિક જવાબદારી ચાલકની છે. જોકે, કેગના મતે જ્યારે સિસ્ટમ જ કાર્યરત ન હોય ત્યારે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

પર્યાવરણ સામે ખતરો

લાખો વાહનોના ઝેરી ધુમાડા ગુજરાતની હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. એક તરફ સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, તો બીજી તરફ હયાત પેટ્રોલ-ડીઝલ વાહનોના પ્રદૂષણ પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે કેગની આ ફટકાર બાદ ટ્રાન્સપોર્ટ વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને દંડનીય કાર્યવાહી કરે છે કે કેમ.


આ પણ વાંચો---     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ