રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે.


સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું.ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો.ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી.જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે.રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.

ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી

આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી.આ બાબતે ગત 11 માર્ચ 2026ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે‌. |

આ પણ વાંચોઃ Gandhinagar News : વિધાનસભામાં મામુર શબ્દનો અર્થ જાણવા ધારાસભ્યો ગોથે ચડ્યાં, જાણો સરકારે શું આપ્યો જવાબ?


  • Follow us on: