ગુજરાતમાં આશરે 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે.લાંબા સમયથી બાકી રહેલા મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ફરી આંદોલનના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા શરતો અંગે આપેલા વચનો હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યા નથી. સંઘના નેતાઓનો આરોપ છે કે અસ્પષ્ટ અને ગેરવ્યવસ્થિત નિયમોના કારણે પાયાની કેડરના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે.

રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી

મહાસંઘે જણાવ્યું છે કે અનેક વખત રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી, જેના કારણે કર્મચારીઓમાં રોષ વ્યાપક બન્યો છે. ઉચ્ચતર પગાર ધોરણ અને સમયસર બઢતીની માંગ મુખ્ય મુદ્દા તરીકે આગળ ધપાવવામાં આવી રહી છે.આ મામલે આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ સરકાર તરફથી સત્તાવાર પ્રતિસાદ મળવાનો બાકી છે, પરંતુ આરોગ્ય વિભાગમાં વધી રહેલા અસંતોષને ધ્યાનમાં લઈને નજીકના સમયમાં બેઠક યોજાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha : ઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, 40 મોબાઈલ, 12 લેપટોપ જપ્ત