આ યોજનાનું અસરકારક અમલીકરણ ગુજરાત સરકાર દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત બાદના પ્રથમ કલાક એટલે કે ‘ગોલ્ડન અવર’ માં પીડિતને તાત્કાલિક સારવાર આપી તેમનો કિંમતી જીવ બચાવવાનો છે. સામાન્ય રીતે ઘણીવાર નાણાંના અભાવે અથવા હોસ્પિટલની વહીવટી પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે અકસ્માત પીડિતો સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવતા હોય છે, પરંતુ હવે આ યોજનાના આગમનથી સારવાર માટે પૈસાનો અભાવ ક્યારેય અવરોધ બનશે નહીં.
અકસ્માત જેવી આકસ્મિક પરિસ્થિતિમાં માત્ર આર્થિક કારણોસર જીવ ન ગુમાવે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના સામાન્ય નાગરિકની સુખાકારી અને સુરક્ષાને હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વડાપ્રધાનશ્રીનો અભિગમ 'સેવા પરમો ધર્મ' અને 'અંત્યોદય' ના મંત્ર પર આધારિત છે, જેમાં છેવાડાના માનવી સુધી આધુનિક આરોગ્ય સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે પહોંચે તેવો મક્કમ સંકલ્પ રહેલો છે. PM-RAHAT યોજના એ તેમના એ જ સંવેદનશીલ વિઝનનું પરિણામ છે કે, દેશમાં કોઈપણ વ્યક્તિ અકસ્માત જેવી આકસ્મિક પરિસ્થિતિમાં માત્ર આર્થિક કારણોસર જીવ ન ગુમાવે.
આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે
તેમણે હંમેશા આધુનિક ટેકનોલોજી અને પારદર્શક વ્યવસ્થા પર ભાર મૂક્યો છે, જેના ભાગરૂપે ‘e-DAR’ પોર્ટલ જેવી ડિજિટલ પ્રણાલીઓ વિકસાવવામાં આવી છે જેથી પીડિતોને ઝડપી ન્યાય અને ત્વરિત કેશલેસ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરી શકાયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાઓનું પાયાના સ્તરે અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ સુરક્ષા અને આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
જરૂરી તાત્કાલિક ‘સ્ટેબિલાઈઝેશન સારવાર’ વિનામૂલ્યે આપવામાં આવે છે
ગુજરાત સરકાર દ્વારા PM-RAHAT યોજનાને રાજ્યની આરોગ્ય સેવાઓ સાથે સંકલિત કરી, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના જાળને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યો છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એ બાબત સુનિશ્ચિત કરી રહી છે કે, યોજનાના નાણાકીય લાભો કોઈપણ વહીવટી વિલંબ વગર સીધા હોસ્પિટલોને મળી રહે અને પીડિત નાગરિકોને કોઈપણ પ્રકારના ખર્ચના બોજ વગર શ્રેષ્ઠ કક્ષાની સારવાર ઉપલબ્ધ થાય. આ યોજનાની કાર્યપદ્ધતિ અને વ્યાપ વિશે વાત કરીએ તો, આ હેઠળ અકસ્માત પીડિત વ્યક્તિને દેશભરની કોઈપણ નિર્ધારિત હોસ્પિટલમાં અકસ્માત થયાના ૭ દિવસ સુધી સંપૂર્ણ મફત અને કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે. આ સારવાર માટે પ્રતિ વ્યક્તિ મહત્તમ રૂ. ૧.૫ લાખ સુધીની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જો પીડિતને નજીકની બિન-નિર્ધારિત હોસ્પિટલમાં લઈ જવામાં આવે, તો ત્યાં પણ તેમને જોખમમાંથી બહાર લાવવા માટે જરૂરી તાત્કાલિક ‘સ્ટેબિલાઈઝેશન સારવાર’ વિનામૂલ્યે આપવામાં આવે છે.
‘મોટર વ્હીકલ અકસ્માત ફંડ’માંથી હોસ્પિટલને સીધી ચુકવણી કરવામાં આવે છે
આ યોજનાનો લાભ દેશના કોઈપણ માર્ગ અકસ્માત પીડિતને મળી શકે છે, પછી ભલે તે કોઈપણ રાજ્યનો રહેવાસી હોય. યોજનાની પ્રક્રિયા મુજબ, અકસ્માતની જાણ ૧૧૨ નંબર પર થતાની સાથે જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલ પહોંચાડે છે. ત્યારબાદ પોલીસ દ્વારા ૨૪ કલાકની અંદર ‘e-DAR’ પોર્ટલ પર ‘Victim ID’ જનરેટ કરવામાં આવે છે, જેને હોસ્પિટલ દ્વારા ‘TMS’ (Transaction Management System) સાથે લિંક કરી ત્વરિત કેશલેસ સારવાર શરૂ કરી દેવામાં આવે છે. ખર્ચની ચુકવણી અને નાગરિક સુરક્ષા અંગેની વ્યવસ્થા પણ અત્યંત પારદર્શક રાખવામાં આવી છે. જો અકસ્માતમાં સામેલ વાહન વીમો ધરાવતું હોય, તો સારવારનો સંપૂર્ણ ખર્ચ વીમા કંપની દ્વારા ભોગવવામાં આવે છે. પરંતુ જો વાહન વીમો ન ધરાવતું હોય અથવા અકસ્માત ‘હિટ એન્ડ રન’ નો કેસ હોય, તો તેવા કિસ્સામાં જિલ્લા કલેક્ટર દ્વારા ‘મોટર વ્હીકલ અકસ્માત ફંડ’ માંથી હોસ્પિટલને સીધી ચુકવણી કરવામાં આવે છે, જેથી પીડિત પરિવાર પર આર્થિક ભારણ આવતું નથી.
માર્ગ અકસ્માતના સમયે નાગરિકો માટે ખરા અર્થમાં રક્ષણ કવચ સાબિત થઈ રહી છે
વધુમાં, સરકાર દ્વારા અકસ્માત પીડિતોની મદદ કરનાર નાગરિકો માટે ‘ગુડ સેમેરિટન’ (નેક વ્યક્તિ) પ્રોત્સાહન યોજના પણ કાર્યરત છે. જો કોઈ જાગૃત નાગરિક અકસ્માત પીડિતને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી મદદ કરે છે, તો તેને સરકાર તરફથી રૂ. ૨૫,૦૦૦ સુધીનો પુરસ્કાર આપવામાં આવે છે અને સાથે જ તેમને કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી કે કાયદાકીય પૂછપરછમાંથી રક્ષણ આપવામાં આવે છે. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંયુક્ત પ્રયાસોથી PM-RAHAT યોજના આજે માર્ગ અકસ્માતના સમયે નાગરિકો માટે ખરા અર્થમાં રક્ષણ કવચ સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં મચ્છરોના ત્રાસને લઇ મનપા એકશનમાં, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા ડ્રોનનો કરાશે ઉપયોગ