ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ કામોને લઈને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરી હતી.
મહેમદાબાદથી મહુધા માર્ગ ખરાબ થયો હોવાની ફરિયાદ
કેબિનેટ બેઠક અંગે જાણકારી આપતા પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, 200 કરોડના ખર્ચે એક વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલ મહેમદાબાદથી મહુધા માર્ગ ખરાબ થયો હોવાની ફરિયાદના પગલે મુખ્યમંત્રી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેતા માર્ગ અને મકાન વિભાગના સચિવને આ માર્ગ તાત્કાલિક અસરથી વ્યવસ્થિત તૈયાર કરાવવા સૂચના આપી સંબંધિતો સામે તપાસ સોંપવામાં આવી છે.













