રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા જીમખાના સેકટર -૨૧ ખાતે તા.૧૬ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે. મુખ્ય સચિવ એમ.કે.દાસે સૌ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા ખેલાડીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓને એકત્ર કરતો આ રાષ્ટ્રીય રમતોત્સવ છે.
યુવાનોને ખેલ પ્રત્યે પ્રોત્સાહન મળે છે
મુખ્ય સચિવ દાસે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમ શરૂ કરવાની પ્રેરણા આપી હતી.‘ખેલો ઈન્ડિયા’પહેલ જમીનીસ્તરે યુવાનોને ખેલ પ્રત્યે પ્રોત્સાહન આપે છે. યુવાનોની ખેલ પ્રતિભાની ઓળખ કરે છે અને યુવા ખેલાડીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સહાય કરે છે.ખેલો ઇન્ડિયા જેવી અનેક પ્રતિયોગીતાના પરિણામે રમતગમત ક્ષેત્રે દેશના ખેલાડીઓ વૈશ્વિક મંચ પર ઓલિમ્પિક્સ,એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત દેશના વધતા મેડલ ટેલીમાં તેનો સ્પષ્ટ પ્રતિબિંબ આપણે સૌ જોઈ રહ્યા છીએ.













