મુખ્યમંત્રીએ આ અભિગમને આગળ ધપાવતાં બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કુલ રૂ.11,360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી.


હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટેના પથદર્શક છે એમ તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું

મુખ્યમંત્રીએ રાજ્યના આવા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષાના ઉપક્રમોમાં અત્યાર સુધી ત્રણ સમીક્ષા બેઠકો યોજેલી છે. આ બેઠકોમાં 67 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે તેમણે કરેલા સૂચનોના સંદર્ભમાં સંબંધિત વિભાગોએ કરેલી કામગીરીનો પણ વિશદ વિચાર વિમર્શ આ ચોથી સમીક્ષા બેઠકમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047 ના વિઝનને સુસંગત વિકસિત ગુજરાત માટે આ બધા જ વિકાસલક્ષી હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટેના પથદર્શક છે એમ તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું.

રાજ્યમાં હાથ ધરાઈ રહેલા રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા થાય તથા ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય તે સુનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાઓ બેઠકમાં આપી હતી. એટલું જ નહીં તેમણે રેલવે સંબંધિત પ્રોજેક્ટ્સમાં જમીનને સ્પર્શતા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપવા આ બેઠકમાં મહેસુલના અધિક મુખ્ય સચિવને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ બુધવારે યોજેલી સમીક્ષા બેઠકમાં જે 27 પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગેની તલસ્પર્શી સમીક્ષા કરી તેમાં રેલવેને સ્પર્શતા રૂ.4190 કરોડના છ રેલવે પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સામખીયાળી-ગાંધીધામ રેલવેના ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ 122 કિ.મી લાઈનનું ડબલિંગ, નલિયા અને વયોર વચ્ચે નવી બ્રોડગેજ લાઈન, મોટી આદરજ વિજાપુર ગેજ કન્વર્ઝન, વિજાપુર- આંબલીયાસણ ગેજ કન્વર્ઝન અને નલિયા - જખૌ નવી લાઈનના પ્રોજેક્ટ એમ સમગ્રતયા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં કરી હતી.

ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ છે

આ ઉપરાંત ઉદ્યોગ ખાણ વિભાગ સંબંધિત પ્રોજેક્ટ અન્વયે ધોલેરામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ફેઝ-1નું ડેવલપમેન્ટ, નવસારીના પીએમ મિત્રા પાર્કમાં 65 એમ.એલ.ડી. પાણી પુરવઠા યોજના, બલ્ક ડ્રગપાર્ક ડેવલોપમેન્ટ, મોરબીના રફાળેશ્વરના ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું બાંધકામ અને ભરૂચના સાયખામાં 90 એમ.એલ.ડી.ની ડીપ સી ઈફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન વગેરેના 3657.62 કરોડની કિંમતના 6 પ્રોજેક્ટ્સની પ્રગતિ સમીક્ષા થઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ ડીપ સી ઈફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇનના કામો સમયસર પુરા થાય તેની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. ધોલેરા એસ.આઈ.આર.ના સી.ઈ.ઓ. કુલદીપ આર્યએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ છે તે અંગે તેમજ જેટકો દ્વારા 66 કે.વી. સબ સ્ટેશન માટે અને સિંચાઈ વિભાગ દ્વારા તેમના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તેની જાણકારી આપી હતી.

ક્રોસિંગ ઉપરના ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પ્રગતિની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી

શહેરી વિકાસ વિભાગને સ્પર્શતા 15 પ્રોજેક્ટ્સ અંતર્ગત સ્માર્ટ સિટી મિશનમાં અમદાવાદમાં 14 મેગા વોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના 1 થી 5 ફેઈઝ, ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની અને વાડજમાં પી.પી.પી. ધોરણે ઝુપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટની પ્રગતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર લાલપુર બાયપાસ જંક્શન પરના ફોર લેન ફ્લાયઓવર, સુરત મહાનગરમાં બી.આર.ટી.એસ. ક્રોસિંગ ઉપરના ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પ્રગતિની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી.

અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા

જૂનાગઢ શહેરના અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી અંગે પણ શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને વિગતો આપી મુખ્ય સચિવએમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સલાહકાર એસ. એસ. રાઠૌર અને સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, રેલવેના ડી.આર.એમ. અને વરિષ્ઠ અધિકારીઓ, અગ્ર સચિવો તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડો.વિક્રાંત પાંડે આ બેઠકમાં સહભાગી થયા હતા.


આ પણ વાંચો : Jamnagar News : જામનગરના બેડી વિસ્તારમાં 2 જૂથ અથડામણ, બન્ને પક્ષે જાહેર રોડ પર મારામારી અને પથ્થરમારો કર્યો


  • Follow us on: