રસોડા અને બગીચાના ભીના કચરાને અદ્યતન 'વર્મિ-કમ્પોસ્ટ પ્લાન્ટ'માં વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ જૈવિક ખાતરમાં ફેરવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી સાથે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલી આ પહેલ કઈ રીતે સમૃદ્ધિનું માધ્યમ બની છે.

માત્ર 15 દિવસમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર તૈયાર થાય છે

ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત આ પ્લાન્ટમાં રહેણાંક વિસ્તારો, હોટલો અને માર્કેટનો ભીનો કચરો એકત્ર કરવામાં આવે છે. આ કચરા પર સતત 15 થી 25 દિવસ પાણીનો છંટકાવ કરી તેને સડવા દેવામાં આવે છે. ત્યારબાદ, મશીન દ્વારા પ્રક્રિયા કરી તેમાં અળસિયાં ઉમેરવામાં આવે છે, જેના પરિણામે માત્ર 15 દિવસમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર તૈયાર થાય છે.

ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પ્લાન્ટ રોજના આશરે 100 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરી વાર્ષિક 2,000 ટનથી વધુ ખાતર ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ખાતરનો ઉપયોગ માત્ર શહેરના બગીચાઓ કે નર્સરીઓમાં જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના ભીલોડા સહિત અનેક વિસ્તારોના ખેડૂતો પણ હોંશે-હોંશે કરી રહ્યા છે. આ વ્યવસ્થા સરકારના પ્રાકૃતિક ખેતીના અભિયાનને સીધું પીઠબળ પૂરું પાડે છે. ભવિષ્યમાં આ જૈવિક ખાતરનું વ્યવસાયિક બ્રાન્ડિંગ કરીને મહાનગરપાલિકા પોતાની આવક વધારવાનું પણ આયોજન કરી રહી છે. કચરાના નિકાલની આ ટકાઉ પદ્ધતિ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.


આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં ગેસ એજન્સીમાં ગેસનો બાટલો લેવા લાગી લાઈનો, ઉનાળાના સમયે સ્થાનિકો ગરમીથી કંટાળ્યા