ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે 'લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે.
સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બનશે
લોક ભવન’ તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી. પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, 'લોકભવન’નું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સેવા અને સહકારના સંવાદનો સેતુ બને એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ સમાજના કલ્યાણ, આશાઓ અને સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય એ જ સાચા અર્થમાં લોક ભવન છે.
