અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા થયેલા હુમલાની ઘટના બાદ મહાનગર પાલિકાએ પેટ રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પાલતુ શ્વાન મુદ્દે નિયમો જાહેર કર્યા છે. જેમાં શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે અને વાર્ષિક 200 રૂપિયા ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્વાનના માલિકે આધાર કાર્ડ અને રહેણાંકનો પૂરાવો રજૂ કરવો પડશે.
શ્વાનના માલિકે ફરજિયાત પણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે
ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે પાલતુ શ્વાન રાખવા માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની જેમ જ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરતી નીતિ તૈયાર કરી સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. શ્વાનના માલિકે ફરજિયાત પણે પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.રજિસ્ટ્રેશન માટે વાર્ષિક રૂ.200 જેટલી ફી નક્કી કરવામાં આવી છે.













