આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ આગળ વધારવાનો હેતું છે. પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ આ અંગે સૂચનાઓ આપી છે. દરેક જિલ્લા કલેક્ટર પાસે દરેક વિભાગના કામોની માહિતી હોય છે. ટેન્ડર અને નીતિ વિષયક નિર્ણય ઝડપથી થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હવે દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજવામાં આવશે.
વાઈબ્રન્ટ સમિટમાં 5.78 લાખ કરોડના MoU થયા
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં 5392 પ્રોજેક્ટમાં 5.78 લાખ કરોડના MoU થયા છે. રાજ્ય સરકારની પોલીસીને કારણે રોકાણની તકો વધી છે. પાવર, ઓઈલ અને ગેસ સેક્ટરમાં રોકાણ વધ્યું છે. 99 પ્રોજેક્ટ માટે MoU થયા છે. આ કરારો પર મુખ્યમંત્રીનું સતત મોનિટરિંગ છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સોમનાથની મુલાકાત લીધી હતી. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં એક વર્ષ સુધી સ્વાભિમાન યાત્રા ઉજવાશે.













