અંત્યોદય’ અને ‘ગરીબ કલ્યાણ’ના મંત્ર સાથે રાજ્યમાં છેવાડાના માનવીની અન્ન સુરક્ષા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ વિભાગ માટે કુલ રૂ. ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.ગરીબ કલ્યાણ’ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો માત્ર એજન્ડા નહીં, પરંતુ મંત્ર છે.
75 લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પડાય છે
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેમ,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકીએ વિભાગની નવી જોગવાઇઓ અંગે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. આ પ્રસંગે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી.બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે,રાજ્યના નાગરિકોને અન્ન સુરક્ષા અને પોષણક્ષમ આહાર મળે તે માટે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્યના અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના 4.23 કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ
નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે રૂ. ૮૪૧.૬૯ કરોડની જોગવાઈ પણ કરાઈ છે. તેમણે વધુમાં કહ્યું કે,વર્ષ ૨૦૨૫-૨૬માં અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં ૨૮,૪૯૧ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા ૭૫ લાખ પરિવારોને માત્ર રૂ. ૧ પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. ૫૯.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પારદર્શિતા પારદર્શિતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને સબસિડીનો સીધો લાભ પહોંચાડવા ટેક્નોલોજીનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC (Central Bank Digital Currency) આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધીમાં રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું તેમ તેમણે ઉમેર્યું હતું.
ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવીન પહેલ કરવામાં આવી
આ ઉપરાંત ખેડૂત કલ્યાણની વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૦,૩૯૬ ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી રૂ. ૪૭,૪૯૪ લાખનું સીધું ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે. શ્રીઅન્ન(મિલેટ્સ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂ. ૩૬.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે,જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા ૧૭ હજારથી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને રૂ. ૧૫૦ના બદલે રૂ. ૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. આ માટે રૂ. ૬૭.૨૦ કરોડની વિશેષ જોગવાઈ અલગથી કરાઈ છે.‘સજાગ ગ્રાહક, સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવીન પહેલ કરવામાં આવી છે.
રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’સ્થાપવામાં આવશે
જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે. વધુમાં, કાયદાકીય માપ વિજ્ઞાન તંત્રની કામગીરીને વધુ પારદર્શક બનાવવા ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ (IFP) કાર્યરત કરાયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક મયુર મહેતા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની અન્ય મહત્વની બાબતો આ મુજબ છે
✓અન્નપૂર્તિ (Grain ATM): ૨૪x૭ અનાજ મળી રહે તે માટે 'મેડ ઈન ગુજરાત' ગ્રેઈન એટીએમની સુવિધા શરૂ કરાશે.જેમાં લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે. આ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ
✓આગામી સમયમાં સંભવિત કલોલ ખાતે અન્નપૂર્તિ -Grain ATMનો શુભારંભ કરાવશે
✓નવા આઈ.ટી. સેલની રચના: SMART-PDS સિસ્ટમના સુદૃઢ અમલીકરણ માટે વિભાગમાં નવા આઈ.ટી. સેલની રચના કરવા રૂ. ૨.૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
✓ લેબોરેટરી સાધનોની ખરીદી: કાનૂની માપ વિજ્ઞાન તંત્ર માટે ૬૭ વર્કિંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરી સાધનોની ખરીદી માટે રૂ. ૨૮.૩૮ કરોડની જોગવાઈ
✓નવા ગોડાઉનોનું નિર્માણ: રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનો બાંધવાની વિચારણા છે, જેનાથી ૯૩,૪૦૦ મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે.
✓પેકેજ્ડ વિતરણ વ્યવસ્થા: તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા વધારવા અને ફરિયાદો ઘટાડવા માટે હવેથી છૂટકને બદલે ૧ કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં વિતરણ કરવામાં આવશે
✓કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI): વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે CRI તૈયાર કરવા MOU કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Suratના ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિક પરિવારો ઉમટ્યા, ગેસની અછતથી મોટું સંકટ સર્જાયું, જુઓ Video