ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ આધુનિક અને ટેકનોલોજી સભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે અમદાવાદમાં સાબરમતી ઝોનના રાણીપ ખાતે આવેલી સુરેશકુમાર અંબાલાલ પટેલની સસ્તા અનાજની દુકાનથી 'ડિજિટલ ફૂડ કરન્સી' (CBDC)ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટનું સફળનું સફળ લોન્ચિંગ કરાવ્યું હતું.


શું છે આ નવી વિતરણ વ્યવસ્થા?

આ નવી રેશન વિતરણ પ્રણાલીમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં રિઝર્વ બેંક દ્વારા એક ડિજિટલ વોલેટ બનાવવામાં આવે છે, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દર મહિનાની પહેલી તારીખે અનાજ માટેની ડિજિટલ કુપન્સ જમા થઈ જાય છે. લાભાર્થી જ્યારે સસ્તા અનાજની દુકાને જાય છે, ત્યારે તેણે માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહે છે અને તેની કુપન રિડીમ થઈ જાય છે.

મુખ્ય વિશેષતાઓ અને ફાયદા

01-સર્વર અને બાયોમેટ્રિક સમસ્યાઓથી મુક્તિ: અગાઉની ઈ-પોસ (e-POS) સિસ્ટમમાં અંગૂઠાના નિશાન (Biometric) અને સર્વર ડાઉન હોવાને કારણે જે વિલંબ થતો હતો, તે હવે નહીં થાય.

02-ઝડપી વિતરણ: લાંબી પ્રોસેસને બદલે માત્ર સ્કેન કરવાથી જ વિતરણ શક્ય બનતા સમયની મોટી બચત થાય છે.

03-સંપૂર્ણ પારદર્શિતા: લાભાર્થી પોતાની મોબાઈલ સ્ક્રીન પર અગાઉથી જ પોતાને મહિનામાં કુલ કેટલી વસ્તુઓનો લાભ મળવાનો છે તે જોઈ શકશે. વધુમાં, દુકાનદાર પાસેથી કૂપન રિડીમ થયા પછી પોતે લીધેલી વસ્તુઓની રિસીપ્ટ પણ લાભાર્થીના મોબાઈલમાં રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે. આથી, લાભાર્થી જાણી શકશે કે તેના માટે સરકાર કેટલો ખર્ચ કરી રહી છે.

04-રિયલ ટાઈમ ડેટા: દુકાનદારને પણ જથ્થાની વિગતો તરત જ રિયલ ટાઈમમાં અપડેટ મળી જાય છે.

સસ્તા અનાજની દુકાને QR કોડથી રિડીમ કરી શકાય છે

આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, "ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ડિજિટલ ફૂડ કરન્સીનું પાયલોટ આજે રોલ આઉટ કરવા માટે પ્રૂફ ઑફ કોન્સેપ્ટ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 25 લાભાર્થીઓનું રિયલ ટાઈમ બેઝીસ ઉપર ટેસ્ટિંગ કરાયું છે. તેમણે આ પ્રોસેસ વિશે વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, "આ સિસ્ટમમાં લાભાર્થીને ડિજિટલ કુપન આપવામાં આવે છે, જે સસ્તા અનાજની દુકાને QR કોડથી રિડીમ કરી શકાય છે. દરેક વસ્તુ માટે અલગ કુપન હોવા છતાં એક જ વખતમાં બધી કુપન રિડીમ થઈ શકે છે, જેથી વિતરણ પ્રણાલી અત્યંત ઝડપી અને સરળ બની છે. આ ટેકનોલોજી પારદર્શિતા લાવવા સાથે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનું સબળ માધ્યમ બનશે અને ભવિષ્યમાં અમે લાભાર્થીઓને આમાં વધુ વસ્તુઓ અને ઓપ્શન્સ પણ આપી શકીશું."

વિતરણ પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતાનો સંગમ

આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન લાભાર્થીઓ અને દુકાનદારો તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. અગાઉની ઈ-પોસ (e-POS) મશીન આધારિત સિસ્ટમમાં સર્વર ડાઉન થવા અથવા બાયોમેટ્રિક (અંગૂઠાના નિશાન) ન આવવાને કારણે જે હાલાકી ભોગવવી પડતી હતી, તેની સામે આ નવી મોબાઈલ-ક્યુઆર કોડ આધારિત સિસ્ટમ ખૂબ જ સરળ અને સમય બચાવનારી હોવાનું ગ્રાહકો અને સંચાલકોએ જણાવ્યું હતું. પંજાબ નેશનલ બેંક (PNB)ના ટેકનિકલ સહયોગથી શરૂ થયેલી આ સિસ્ટમમાં લાભાર્થીને બધી વિગતો મોબાઈલ સ્ક્રીન પર જ દેખાતી હોવાથી પારદર્શિતામાં પણ વધારો થયો છે. સાબરમતી ઝોન ખાતેથી 'ડિજિટલ ફૂડ કરન્સી'(CBDC)ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદના ફૂડ કન્ટ્રોલર વિમલ પટેલ, સંયુક્ત નિયામક ચેતન ગાંધી, સહિત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Gandhinagar News : કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


 

  • Follow us on: