મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભાષા દિવસની ગરિમામય ઉજવણીમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, માતૃભાષાના ગૌરવ ગાન સાથે અન્ય ભાષાઓ પ્રત્યેનો આદર એ જ આપણી સંસ્કૃતિની અભિવ્યક્તિ છે. આપણી માતૃભાષા “અ”થી શરૂ થઈને સૌથી ટોપ પર “જ્ઞ” એટલે કે, જ્ઞાન સુધી વિસ્તરી છે. હૃદયના ભાવ અને સંવેદનાઓને ભાષાથી પ્રગટ કરવાનો આપણો પ્રયાસ માતૃભાષાના આવા સમૃદ્ધ જ્ઞાન દ્વારા જ વ્યક્ત થઈ શકે છે. આપણી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી આગામી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે.
કચ્છી ભાષા સાહિત્ય માટેના પુરસ્કારોથી સન્માનિત
“મા, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ જોટો જડે તેમ નથી” એવા વડાપ્રધાન મોદીના આ કથનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી કહ્યું કે, માતૃભાષાનું ગૌરવ કરનારો કોઈ પણ વ્યક્તિ તેમના માટે ગૌરવરૂપ છે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024ના વર્ષ માટેનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને એનાયત કર્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા લેખકો-સાહિત્યકારોને અપાતા યુવા ગૌરવ પુરસ્કાર અન્વયે અજય સોની અને દિપક નંદાને 2024ના વર્ષ માટેના ગુજરાતી તથા કચ્છી ભાષા સાહિત્ય માટેના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.













