વિધાનસભા ગૃહમાં દિવ્યાંગ લગ્ન સહાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં આત્મસન્માન સાથે જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ કુલ ૭૯ અરજીઓ મંજૂર કરીને રૂ. ૪૧.૭૫ લાખની આર્થિક સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવી છે.
અરજદારે લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહે છે
મંત્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોજનામાં મહત્વના વહીવટી અને આર્થિક સુધારા કરવામાં આવ્યા છે જેમાં જૂન ૨૦૨૫ થી સહાયની રકમ રૂ. ૫૦ હજારથી વધારીને રૂ. ૭૫ હજાર કરવામાં આવી છે. અરજી સાથે રજૂ કરવાના પુરાવાઓમાં બંનેનો સંયુક્ત ફોટો અથવા લગ્ન કંકોત્રીની જોગવાઈ રદ કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવાઈ છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે લગ્ન કર્યાની તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહે છે.













