રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા- તાલુકા મથકોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો.


21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

જેને વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કર્યો છે. આ પરંપરાના ભાગરૂપે, વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના ૧૦૦ દિવસ અગાઉથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાનનો નવા MLA આવાસ, ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

યોગ માત્ર કસરત નથી, પણ જીવન જીવવાની કળા છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં અને રાજ્યના સર્વે ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે 'કર્ટન રેઝર' ઇવેન્ટ સાથે ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'કોમન યોગ પ્રોટોકોલ' (Common Yoga Protocol) ના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે. યોગ માત્ર કસરત નથી, પણ જીવન જીવવાની કળા છે, જેનો વ્યાપ છેવાડાના ગામ સુધી પહોંચાડવો એ બોર્ડનો સંકલ્પ છે.

તાલુકા મથકોએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે

આજના આ ઉદ્ઘાટન બાદ, હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને તેની ટીમ દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લા અને વિવિધ તાલુકા મથકોએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન દ્વારા ૨૧મી જૂન પહેલા સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં આવશે. "એક કદમ યોગમય વિધાનસભા તરફ" સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમ ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં એક મક્કમ ડગલું સાબિત થયો છે તેમ, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો : Gandhinagar News : છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં 138 ફીડરનું વિભાજન કરાયું : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ


  • Follow us on: