ગાંધીનગર નજીક આવેલું અહીં આવેલી વાવ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વૈશ્વિક ધરોહર ધરાવતા અડાલજમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થીઓ રસોઇ ગેસ મામલે આત્મનિર્ભતાનાં પાઠ શીખી રહ્યા છે અને દેશને નવો રાહ ચિંધી રહ્યા છે. અડાલજમાં આવેલા માણેકબા વિનય વિહાર શૈક્ષણિક સંકુલમાં ભણતી અને અહીં જ હોસ્ટેલમાં રહેતી 250થી વધુ વિદ્યાર્નીઓ અને અહીં કામ કરતા પરિવારો રસોઇ ગેસ બાબતે આત્મનિર્ભર બની ગયા છે.આ સંસ્થામાં રસોઇ માટે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે.

સામુહિક ભોજનાલયમાં તેમના માટે રસોઇ બને છે

ગુજરાત સરકારનાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા ‘સંસ્થાકિય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. આ સંસ્થામાં પણ બાયોગેસ માટે સબસિડી આપવામાં આવી છે. હાલ આ સંકુલમાં 45 ઘટમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા બે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. એટલે કે, કુલ 90 ઘનમીટર (પ્રતિદિવસ)ની ક્ષમતાનાં બાયોગેસ પ્લાન્ટ છે. આ શૈક્ષણિક સંસ્થા વસુમતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે. તેમની પાસે મોટી ગૌશાળા છે જેમાં 222 જેટલી ગાયો છે. સંસ્થાની હોસ્ટેલમાં 250થી વધુ વિદ્યાર્થીઓ રહે છે અને સામુહિક ભોજનાલયમાં તેમના માટે રસોઇ બને છે.

બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી સ્લરીને કારણે રાસાયણિક ખાતરની જરૂર નહી

સંસ્થાનાં વ્યવસ્થાપકોનાં જણાવ્યા અનુસાર, આ ભોજનાલયમાં રોજ 250 વિદ્યાર્નીનીઓ માટે બે વખત જમવાનું (એટલે કે દિવસ દરમિયાન 500થી વધુ લોકોનું) બનાવવામાં આવે છે અને આ સંકુલમાં રહેતા 15 જેટલા પરિવારોની રસોઇ પણ આ બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગેસમાંથી થાય છે. સંસ્થાનાં મેનેજર રાહુલ પટેલે જણાવ્યું કે, અમારી સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા મળતી સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજનાનો લાભ મળ્યો છે. અમે રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બન્યા છીએ. અમારી પાસે ગાયો હોવાથી અમને છાણ પુષ્કળ મળી રહે છે. આ ઉપરાંત, આ ગેસ ઉત્પન્ન થયા પછી વધેલી સ્લરીનો ઓર્ગેનિક ખાતર તરીકે સંસ્થાનાં ખેતરમાં ઉપયોગ કરી સંપૂર્ણ જૈવિક ખેતી કરીએ છીએ. સંસ્થાનાં પ્રતિનિધિઓએ જણાવ્યું કે, જો આ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત ન હોય તો, સંસ્થાને મહિને 30 જટેલા એલપીજી ગેસ સિલીન્ડરની જરૂર પડે પણ અત્યારે એક પણ સિલીન્ડરની જરૂર પડતી નથી. આ ઉપરાંત, બાયોગેસ પ્લાન્ટમાંથી નિકળતી સ્લરીને કારણે રાસાયણિક ખાતરની જ પણ જરૂર પડતી નથી,’’.

ઉર્જા સ્ત્રોતો માટે સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે

ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહડાવતા બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે સસ્તો ગેસ પુરો પાડે છે. સાથે સાથે આ પ્રક્રિયા બાદ મળતું સ્લરી ઉત્તમ નાઈટ્રોજનયુક્ત સજીવ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી બને છે. ગુજરાત સરકારની ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો માટે સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે.

વધુ સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા અને સજીવ ખેતી તરફ આગળ વધે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઉર્જાનાં ઉપયોગ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જવો, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.આ યોજના હેઠળ ૨૫, ૩૫, ૪૫, ૬૦ અને ૮૫ ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિનનફાકીય સંસ્થાઓને કુલ મૂલ્યના ૭૫% સુધી અને નફાકીય સંસ્થાઓને ૫૦% સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા અને સજીવ ખેતી તરફ આગળ વધે.

સમગ્ર રાજ્યમાં 193થી વધારે સંસ્થાકીય બાયોગેસ કાર્યરત

ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ રૂ. ૧૨.૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી અંદાજે ૬૦ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાના અમલીકરણ માટે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન કુલ ૧૫ એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે. આ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ દરમ્યાનના છેલ્લા પાંચ વર્ષોમાં કુલ ૧૯૩ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા ૧૩૯૫૫ ઘનમીટર પ્રતિ દિવસ જેટલી થાય છે. આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે પણ સંસ્થાકીય બાયોગેસ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૨.૦ કરોડની જોગવાઈ હેઠળ અંદાજે ૬૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે.


આ પણ વાંચો : Gandhinagar News : ખાડી યુદ્ધની આગ લોકોના ઘર સુધી પહોંચી, ટ્રાન્સપોર્ટ ભાડામાં 20 ટકા અને તેલમાં ડબ્બે રૂ.400નો વધારો ઝીંકાયો