જહાજો ભારતીય નેવીની સુરક્ષા હેઠળ ગુજરાત આવશે અને 16 અને 17 માર્ચે મુંદ્રા અને કંડલા બંદર પહોંચશે. પશ્ચિમ એશિયામાં ઈરાન- ઈઝરાયેલ–અમેરિકા યુદ્ધને કારણે સ્થિતિ તંગદીલીભરી છે ત્યારે ભારતનાં LPG ભરેલા બે ટેન્કરો શિવાલિક અને નંદા દેવીને સુરક્ષિત હોમુંઝની ખાડીમાંથી પસાર થવા ઈરાને મંજૂરી આપી છે જેને કારણે ભારતમાં LPGની અછતમાં સરકારને મોટી રાહત મળશે.
ભારતીય ધ્વજ ધરાવતા આ બંને જહાજોએ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી દીધી છે
આ બંને જહાજો હવે ભારતનાં નૌકાદળની સુરક્ષા હેઠળ ૧૬મી અને ૧૭મી માર્ચે ગુજરાતમાં મુંદ્રા અને કંડલા બંદરે પહોંચશે. પીએમ મોદી તેમજ ઈરાનનાં પ્રેસિડેન્ટ પેઝેશિકયન વચ્ચે વાતચીતને કારણે ભારતને તેનાં બંને જહાજો સુરક્ષિત રીતે હોમુંઝ પસાર કરાવવા મંજૂરી આપવામાં આવી હતી. ઈરાને ભારતને મિત્ર દેશ ગણાવ્યો હતો. આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. ભારતનાં વિદેશ પ્રધાન જયશંકર ઈરાનનાં વિદેશ પ્રધાન અરાધચી તેમજ ઈરાનનાં ભારત ખાતેનાં રાજદૂત મોહમ્મદ ફથાલી સાથે સતત સંપર્કમાં હતા. ફથાલીએ કહ્યું હતું કે ભારત ઈરાનનું મિત્ર દેશ છે અને બંને આ ક્ષેત્રમાં સંયુક્ત હીતો ધરાવે છે. હાલની યુદ્ધની સ્થિતિમાં ભારત સરકાર જુદાજુદા ક્ષેત્રે ઈરાનને મદદ કરી રહી છે.
હજુ સુધી કાળાબજારી સામે કાર્યવાહી નહીં !
અમદાવાદ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા હજી સુધી સિલિન્ડરા કાળાબજાર સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ બીજી તરફ લોકો સવારથી ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બની રહ્યા છે. અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે સિલિન્ડર વેચાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, છતાં તંત્ર હાથ પર હાથ જોડીને બેઠું હોય તેવી સ્થિતિ છે.
એજન્સીએ કામકાજ દરમિયાન એક રેવન્યુ અને પોલીસકર્મી રાખવા પડશે
રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગે જિલ્લા પુરવઠા અધિકારીઓ અને ગેસ એજન્સીઓને LPG સિલિન્ડરના સ્ટોક અને વિતરણ પર નિયમિત નજર રાખવા જણાવ્યું છે. કેટલા સિલિન્ડર ગ્રાહકોને આપ્યા તે સહિતની માહિતી આપવી પડશે. ગેસ એજન્સીઓના કામકાજ દરમિયાન એક રેવન્યુ કર્મચારી અને એક પોલીસ કર્મચારી ફરજ પર હાજર રહેશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.









