વિધાનસભા ગૃહમાં 'ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા' વિશે વિગતો આપતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વીમા નિયામકની કચેરી મારફત દરેક સ્પર્ધકનો વીમો ઉતારવામાં આવે છે.
આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે
મંત્રીએ વધુમાં જણાવ્યું હતુંકે, રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયના યુવક-યુવતીઓમાં સાહસિકતાના ગુણો વિકસે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા 'આરોહણ-અવરોહણ' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાના લાઈવ પ્રસારણ માટે હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્પર્ધાની પારદર્શિતા માટે લાઈવ કેમેરા અને હાઈ-ડેફિનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત યુ ટ્યુબ અને ટીવી ચેનલો દ્વારા આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે, જેથી લાખો નાગરિકો યુવાનોના આ સાહસને નિહાળી શકે.
સ્પર્ધા દરમિયાન સારવારના સાધનો સાથેની મેડિકલ ટીમ કાર્યરત રાખવામાં આવે છે
મંત્રીએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના યુવાનો પણ આ સ્પર્ધામાં સહભાગી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આગામી વર્ષ ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અંબાજી ખાતે યોજાયેલ સ્પર્ધામાં પણ સમગ્ર દેશભરમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું. મેડિકલ સુવિધાઓ વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સ્પર્ધા દરમિયાન સારવારના સાધનો સાથેની મેડિકલ ટીમ કાર્યરત રાખવામાં આવે છે.
વધુમાં પર્વત પર દર 200 પગથિયે એક વ્યાયામ શિક્ષક પણ ખડેપગે તૈયાર રાખવામાં આવે છે
આ ઉપરાંત દરેક સ્પર્ધકને પૌષ્ટિક ભોજન અને નિર્ધારિત સમયમાં સ્પર્ધા પૂર્ણ કરનારને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં, તેમણે કહ્યું હતું કે આ સ્પર્ધા અંતર્ગત ઓસમ પર્વત(રાજકોટ), ચોટીલા પર્વત(સુરેન્દ્રનગર), ઈડરીયો પર્વત(સાબરકાંઠા), પાવાગાઢ પર્વત (પંચમહાલ), પારનેરા પર્વત (વલસાડ) ખાતે વર્ષ ૨૦૨૪-૨૫માં ૯૧૮ ભાઈઓ, ૫૦૮ બહેનો સહિત કુલ ૧,૪૨૬ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૦૩૩ ભાઈઓ, ૫૬૪ બહેનો સહિત કુલ ૧,૫૯૭ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં પરમિટ વાળા વિદેશી દારૂના વેચાણથી સરકારને રૂપિયા 100 કરોડથી વધુની આવક