જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા One Day One District એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક તથા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સાથે સીધી બેઠક યોજવામાં આવશે. જેથી જિલ્લાના વિશિષ્ટ પોલીસિંગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોને પ્રત્યક્ષ રીતે સમજી શકાય. જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય
આ બેઠકો દરમિયાન જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન/આઉટપોસ્ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્ય ખાસ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્ટ પ્રેકટીસ અંગે ચર્ચા કરવામાં આવશે, જેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેની શક્યતા પણ પરખવામાં આવશે. જિલ્લાઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે, જેથી સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય.
