ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા.વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ ૨૦૦૬માં સુરતની લગભગ ૩૮ ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.
સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને
ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાને છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને ૫ ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે.
મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ
મંત્રીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે.
ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર
જોકે, ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ ૧૦ લાખ છે. જેની સરખામણીમાં, સુરતની વસ્તી આશરે ૭૦ થી ૮૦ લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે. બેઠકમાં મુખ્યમંત્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચોઃSurendranagar News: નવા બજાણા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું