સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને પોલીસ કર્મીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય માર્ગ એવા માલવણ હાઈવે ખાતે નવા બજાણા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઈનનું જિલ્લા પોલીસ વડા પ્રેમસૂખ ડેલુના વરદ હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ થશે નવું પોલીસ મથક
માલવણ હાઈવે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો વિસ્તાર છે. અહીં ટ્રાફિક અને ગુનાખોરી પર નિયંત્રણ રાખવા માટે એક મજબૂત પોલીસ સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. હવે, નવા બજાણા પોલીસ સ્ટેશનના નિર્માણથી સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા મુસાફરોને વધુ સારી સુરક્ષા મળશે. આ સાથે જ પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર માટે આધુનિક ‘પોલીસ લાઈન’નું પણ નિર્માણ કરવામાં આવશે.













