ગાંધીનગરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગંભીર આરોપમાં ઝડપાયેલા રામ યાદવ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપીના ડાબા પગમાં ગોળી વાગી હતી, જ્યારે કાર્યવાહી દરમિયાન મહિલા PIને પણ પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી.

આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રામ યાદવને ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા માટે લઈ જવાયો હતો. તે દરમિયાન આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ન માનતા અંતે ફરજિયાત ફાયરિંગ કરવું પડ્યું હતું. આખરે મહિલા PI એલ.પી. દેસાઈએ ફાયરિંગ કર્યું હતું

 આરોપીએ બંને હાથ જોડી માફી માગી હતી

ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પહોંચતા જ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત હાલતમાં આરોપીએ બંને હાથ જોડી માફી માગી હતી અને “ભૂલ થઈ ગઈ” હોવાનું જણાવ્યું હતું.

 આ કાર્યવાહીનું નામ ‘ઓપરેશન વીરાંગના’ રાખવામાં આવ્યું

સમગ્ર મામલે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ નિવેદન આપતાં જણાવ્યું કે આ કાર્યવાહીનું નામ ‘ઓપરેશન વીરાંગના’ રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આરોપી બાળકીને ઘરમાંથી ઉઠાવી ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો અને બાળકીને મૃત્યુ પામેલી સમજીને ભાગી ગયો હતો. જોકે બાળકી હિંમત દાખવી પોતાની રીતે ઘરે પહોંચી હતી અને બાદમાં તેણે દાદી તથા માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.

 આરોપી રામ યાદવ બિહારનો રહેવાસી છે, પરિણીત છે

એસપીના જણાવ્યા મુજબ, આરોપી રામ યાદવ બિહારનો રહેવાસી છે, પરિણીત છે અને ગાંધીનગર GIDC વિસ્તારમાં કામ કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આરોપી નોટોરિયસ માનસિકતા ધરાવતો છે. ફાયરિંગ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઝાડી-ઝાંખરાના કારણે ઈજા પહોંચી હતી.

પોલીસ તપાસ શરુ

પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો----  Gandhinagar : દુષ્કર્મના આરોપી પર પોલીસનું ફાયરિંગ, રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીનો ભાગવાનો પ્રયાસ