ગુજરાતના બંદરો પરથી વર્ષ ૨૦૨૪–૨૫માં અંદાજે રૂ. ૨૫ લાખ કરોડની કિંમતના માલસામાનની આયાત-નિકાસ નિકાસ ક્ષેત્રે અને 'LEADS' ઇન્ડેક્સમાં ગુજરાતનો દબદબો: લોજિસ્ટિક્સ ક્ષમતામાં રાજ્ય દેશમાં મોખરે. અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં ૩૨ ટકા અને દેશમાં ૯૮ ટકા હિસ્સા સાથે શિપ રિસાયક્લિંગનું હબ, વર્ષ ૨૦૨૬-૨૭ માટે બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર.
ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ તે ભારતનું 'મેરીટાઇમ ગેટવે' છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન બંદર પ્રભાગનું રૂ. ૩૨૨.૯૯ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં આવેલા અંદાજે કુલ ૧૧,૦૯૮ કિમી લાંબા દરિયા કિનારામાંથી ૨,૩૪૦ કિમી જેટલો દરિયાકાંઠો ગુજરાત રાજ્યમાં આવેલો છે. આજે ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ તે ભારતનું 'મેરીટાઇમ ગેટવે' છે. વિકાસની રાજનીતીમાં માનનારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજનના પરિણામે આજે રાજ્યના લાખો યુવાનોને રોજગારી, હજારો ઉદ્યોગોની સપ્લાય ચેઈન અને ભારતના વૈશ્વિક વેપારના પાયાને મજબૂત કરવામાં ગુજરાતનું બંદર પ્રભાગ મહત્વનો ફાળો આપી રહ્યું છે.
ખંભાત જેવા બંદરો ‘ચોર્યાસી બંદરના દીવા’ કહેવાતા
મંત્રીએ કહ્યું કે, જ્યારે પશ્ચિમના દેશો સભ્યતા શીખી રહ્યા હતા, ત્યારે હડપ્પીય સંસ્કૃતિના સમયમાં આપણા પૂર્વજોએ લોથલ ખાતે વિશ્વનું પ્રથમ ટાઈડલ ડોકયાર્ડ’ બનાવ્યું હતું. તે સમયે મેસોપોટેમિયા અને ઈજિપ્ત સુધી આપણા વહાણો ‘સીલ’ (કરન્સી) સાથે વેપાર કરતા હતા. મધ્યકાળમાં સુરત અને ખંભાત જેવા બંદરો ‘ચોર્યાસી બંદરના દીવા’ કહેવાતા, જ્યાં દુનિયાભરના દેશોના ચલણ અને સંસ્કૃતિનો સંગમ થતો હતો. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં આપણે આપણી આ વિરાસતને ભૂલી ગયા હતા. મંત્રીએ ઉમેર્યું કે, પરિવર્તન ત્યારે આવ્યું, જ્યારે વર્ષ ૨૦૦૧માં રાજ્યની ધૂરા નરેન્દ્ર મોદીએ સંભાળી. તેમણે ગુજરાતના ૧,૬૦૦ કિમી (હાલ ૨૩૪૦ કિમી) લાંબા દરિયાકિનારાને 'આફત' નહીં પણ 'અવસર' તરીકે જોયો.
લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતી 'તમામ ઉદ્યોગોની જનની' સમાન ભૂમિકા ભજવી રહ્યા છે
તેમણે ‘પોર્ટ લેડ ડેવલપમેન્ટ -બંદર આધારિત વિકાસની જે દૂરંદેશી દાખવી, તેના પરિણામે આજે દેશના કુલ દરિયાઈ વેપારનો ૪૦ ટકાથી વધુ હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. ગુજરાતના બંદરો પરથી વર્ષ ૨૦૨૪–૨૫માં અંદાજે રૂ. ૨૫ લાખ કરોડની કિંમતના માલસામાનનો દુનિયાના ખૂણે ખૂણેથી આયાત - નિકાસ થયો છે. આ આંકડો એ સાબિત કરે છે કે લોથલના વારસાથી શરૂ થયેલી આપણી વહાણવટાની સફર આજે વિશ્વના બજારો પર રાજ કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જહાજ નિર્માણ ઉદ્યોગને 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર'નો દરજ્જો આપવો એ એક ક્રાંતિકારી પગલું છે. "Chip or Ship, we must make them in India" ના મંત્ર સાથે હવે ગુજરાતના બંદરો માત્ર માલસામાનની હેરફેર જ નહીં, પરંતુ લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતી 'તમામ ઉદ્યોગોની જનની' સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટ્સ
મંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૮૮ MMT કાર્ગો હેન્ડલ કરીને ગુજરાતે ઐતિહાસિક વિક્રમ સ્થાપ્યો છે, જે ૧૯૯૫ની સરખામણીએ ૩૧ ગણો વધારો દર્શાવે છે. આજે ભારતનો ૪૦ ટકા કાર્ગો ટ્રાફિક અને ૮૦ ટકાથી વધુ LNG-LPG હેન્ડલિંગ એકલું ગુજરાત સંભાળે છે. અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં ૩૨ ટકા અને દેશમાં ૯૮ ટકા હિસ્સા સાથે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બન્યું છે. મંત્રી પટેલે કહ્યું કે, ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ અને દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટ્સ દરિયાઈ કનેક્ટિવિટી અને આર્થિક ગતિશીલતાના નવા આયામો સર કરી રહ્યા છે, જેનાથી સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે.
ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી ભારતનું 'એક્સપોર્ટ પાવરહાઉસ' બની રહ્યું છે
ગુજરાત હવે માત્ર બંદર સંચાલનમાં જ નહીં, પરંતુ મેરીટાઈમ શિક્ષણ અને ફાઈનાન્સમાં પણ વિશ્વ સ્તરે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી-GMU દ્વારા કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગિફ્ટ સિટીમાં સ્થિત 'ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર' -GIMAC અને શિપ લીઝિંગ-ફાઈનાન્સિંગની સુવિધાઓ ગુજરાતને સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની હરોળમાં મૂકે છે. તેમણે ઉમેર્યું કે, શિપ-બિલ્ડીંગ એ માત્ર એક ઉદ્યોગ નથી, તે તમામ ઉદ્યોગોની જનની Mother of all industries છે. જ્યારે એક જહાજ બને છે, ત્યારે સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે હજારો નવી રોજગારીનું નિર્માણ થાય છે. ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી ભારતનું 'એક્સપોર્ટ પાવરહાઉસ' બની રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત સતત ૩૦ ટકાથી વધુ હિસ્સો આપીને દેશના વિદેશી હૂંડિયામણમાં સિંહફાળો આપી રહ્યું છે.
ભાવનગર જિલ્લાને મેરીટાઇમ અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે
મંત્રીએ કહ્યું કે, અલંગ શીપ રિસાયક્લીંગ યાર્ડ માત્ર આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર નથી, પરંતુ મીની ભારત જેવું દેશના અલગ અલગ રાજ્યોના હજારો કામદારોને સીધો અને પરોક્ષ રોજગાર પૂરું પાડતું એક મહત્વપૂર્ણ ઔધોગિક હબ છે. સાથે સાથે, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષા ધોરણોને અનુરૂપ આધુનિકીકરણ દ્વારા અલંગને વૈશ્વિક સ્તરે ગ્રીન શીપ રીસાયક્લીંગ હબ બનાવવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે. અલંગનો વિકાસ ભાવનગર જિલ્લાને મેરીટાઇમ અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને વૈશ્વિક શીપ રિસાયક્લીંગના નકશા પર અગ્રેસર સ્થાન અપાવશે.
આપણા બંદરો માત્ર માલની હેરાફેરી નથી કરતા
પરંતુ તે રાજ્યના ઉદ્યોગો જેમ કે પેટ્રોકેમિકલ્સ,સિરામિક્સ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ્સ માટે વૈશ્વિક બજારોના દ્વાર ખોલે છે, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મોરબીના સિરામિક ઉદ્યોગની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે નવલખી બંદર પર કન્ટેનર હેન્ડલિંગની સુવિધાઓનું વિશેષ આયોજન કર્યું છે. આ વ્યૂહાત્મક નિર્ણયોને કારણે જ ગુજરાતના ઉત્પાદનો આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારે બજેટમાં રૂ. ૨૫ હજાર કરોડના 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'-MDFની જે ઐતિહાસિક જોગવાઈ કરી છે, તે ગુજરાતના બંદરો માટે વિકાસનું નવું ઈંધણ સાબિત થશે. આ બજેટ થકી શીપબિલ્ડિંગ ક્લસ્ટર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ૫૦:૫૦ની ભાગીદારી સાથે આ ફંડના માધ્યમથી કામ કરશે. અત્યાર સુધી આપણે કન્ટેનર માટે વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'ના સહયોગથી આપણે ગુજરાતમાં જ કન્ટેનર ઉત્પાદન વિકસાવીને આત્મનિર્ભર બનીશું.
સુરત ખાતે પ્રાઈવેટ જેટીનું બાંધકામ પ્રગતિ હેઠળ છે
હજીરા પોર્ટના વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, હજીરા ખાતે બલ્ક જનરલ કાર્ગો ટર્મિનલનાં વિકાસ માટે અંદાજીત રૂ. ૩૮ હજાર કરોડના કમ્બાઈન માસ્ટર પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઉટર હાર્બરની કુલ ૧૫૦ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી સુવિધાઓ પૈકી ફેજ-૧ વિકસાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત દહેજ ખાતે મે. પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. ૧૬૫૬.૧૫ કરોડના ખર્ચે ત્રીજી જેટીનું કામ ૫૮ ટકા પ્રગતિ હેઠળ અને ગુજરાત કેમિકલ પોર્ટ દ્વારા રૂ. ૩૩૨૨ કરોડના ખર્ચે બીજી જેટીનું ૬૦ ટકા પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું છે. વધુમાં, કચ્છના મોઢવા ખાતે HPCL મિત્તલ એનર્જી લિમિટેડ ને રૂ. ૧૪૦૬.૬ કરોડ અને સુરતમાં આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લીમીટેડને રૂ. ૭,૫૪૫ કરોડના ખર્ચે કેપ્ટીવ જેટી વિકાસ માટે મંજૂરી આપી છે અને ભાટપોર, સુરત ખાતે પ્રાઈવેટ જેટીનું બાંધકામ પ્રગતિ હેઠળ છે.
પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે
ગૃહને ગૌરવ સાથે જણાવતા મંત્રી પટેલે કહ્યું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના નોન-મેજર બંદરોને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે વિઝન ૨૦૪૭ અંતર્ગત એક દૃઢ અને દુરંદેશી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના નોન-મેજર બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા લગભગ ૬૦૦ મિલિયન મેટ્રિક ટન પર એનમ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ ક્ષમતાને તબક્કાવાર રીતે વધારીને વર્ષ ૨૦૪૭ સુધી અંદાજિત ૩ હજાર મિલિયન મેટ્રિક ટન પર એનમ સુધી પહોંચાડવાનું મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરિયાઈ સુરક્ષા વધારવા રાજ્ય સરકાર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું બાંધકામ હાથ ધરાયુ છે. ઈન્ડો-પાક બોર્ડર વિસ્તારમાં ઈકો-ટૂરિઝમનાં વિકાસ માટે કોટેશ્વર અને પડાલા આઈલેન્ડ ખાતે જેટી, પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દુરંદેશી વિઝન દર્શાવીને બંદરોને સારા રોડથી જોડાણ તથા રેલથી સાંકળવા અનેકવિધ યોજનાઓ હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી બંદરો પરથી થતા માલ પરિવહનમાં સરળતા રહેશે તેમજ લોજિસ્ટીક કોસ્ટમાં પણ ઘટાડો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી.
આ પણ વાંચો : Jamnagar News : જામનગરના ધુતારપરમાં પિતા-પુત્રીએ કૂવામાં કૂદીને આપઘાત કરતા મોત, પોલીસે પત્નીની પૂછપરછ કરી શરૂ