ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ તાલુકામાં બેઠકોની ફાળવણી અને અનામતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, જિલ્લા પંચાયતની ૨ અને નગરપાલિકાની ૧ બેઠક સહિત કુલ ૭ તાલુકા પંચાયતોમાં સત્તાવાર રીતે સીટોનું વિભાજન કરવામાં આવ્યું છે.
તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટેનું નવું માળખું જાહેર
માણસા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટેનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 17 બેઠકો સામાન્ય એટલે કે જનરલ કેટેગરી માટે રાખવામાં આવી છે. સામાજિક સંતુલન જાળવવા માટે ઓબીસીને ફાળે 7 બેઠકો આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 1-1 બેઠક અનામત રાખવામાં આવી છે.
દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાશે
દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાશે. અહીં પણ સામાન્ય બેઠકોનું વર્ચસ્વ જોવા મળે છે. જેમાં 18 બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે. પછાત વર્ગો માટે OBCની 8 બેઠકો નક્કી કરવામાં આવી છે.જ્યારે માણસાની જેમ જ અહીં પણ SC અને ST કેટેગરી માટે 1-1 બેઠક ફાળવવામાં આવી છે.
સ્થાનિક રાજકારણમાં મહિલા નેતૃત્વને મોટો અવકાશ
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારના નિયમ મુજબ 50 ટકા અનામતનું કડક પાલન કરવામાં આવ્યું છે. કુલ ફળવાયેલી બેઠકોમાંથી અડધી બેઠકો સ્ત્રી અનામત તરીકે જાહેર કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં મહિલા નેતૃત્વને મોટો અવકાશ મળશે.
સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધ્યો
આ બેઠકોની ફાળવણી સાથે જ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે. દાવેદારોએ પોતપોતાના મતવિસ્તારમાં લોકસંપર્ક શરૂ કરી દીધો છે. અનામતના નવા સમીકરણોને કારણે ઘણા જુના જોગીઓની બેઠકો બદલાશે,તો અનેક નવા ચહેરાઓને તક મળવાની શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગ હવે બનશે સંપૂર્ણ પેપરલેસ, તમામ ફાઇલો 'ઇ-સરકાર' પોર્ટલ દ્વારા જ સ્વીકારાશે