રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે 'સુગમ પોર્ટલ' (Sugam Portal) લોન્ચ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રીની હાજરીમાં આ ક્રાંતિકારી ડિજિટલ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
વચેટીયા રાજનો અંત, પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ
સુગમ પોર્ટલના આવવાથી હવે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું કે એજન્ટોના ધક્કા ખાવા એ ભૂતકાળ બની જશે. આ પોર્ટલ સંપૂર્ણપણે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ મોડલ પર કામ કરશે. નાગરિકો હવે ઘરે બેઠા 20 જેટલી વિવિધ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે અને પોતાની અરજીની સ્થિતિ (Status) પણ ટ્રેક કરી શકશે.
5 મહત્વના વિભાગની 20 સેવાઓ આવરી લેવાઈ
આ પોર્ટલ અંતર્ગત મુખ્યત્વે મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય, કાયદા અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે.
મુખ્ય સેવાઓની યાદી
- રેશનકાર્ડ સેવાઓ: નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું કે કમી કરવું, સુધારો અને ડુપ્લીકેટ રેશનકાર્ડ
- પ્રમાણપત્રો: જાતિના દાખલા (SC/ST/SEBC), નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ, આવકના પ્રમાણપત્ર અને EWS સર્ટિફિકેટ
- અન્ય સેવાઓ: સોગંદનામું અને નકલ માટેની વિનંતી
છેવાડાના માનવી માટે આશીર્વાદરૂપ
સુગમ પોર્ટલ દ્વારા છેવાડાના ગામડાનો નાગરિક પણ સહેલાઈથી પોતાના દસ્તાવેજોમાં સુધારો કે નવી માહિતી મેળવી શકશે. ડિજિટલ માધ્યમથી અરજી થતી હોવાથી કાગળનો વપરાશ ઘટશે, જે પર્યાવરણના જતન માટે પણ મહત્વનું પગલું છે. હવે નાગરિકોના આંગળીના ટેરવે સરકારી સુવિધાઓ ઉપલબ્ધ બનતા સમય અને નાણાં બંનેની બચત થશે.
આ પણ વાંચો - Gandhinagar News: ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર, વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ