ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી.અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે.મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય 13 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા

અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે.તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ 4 બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે.રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પોલિસી 2025માં અત્યાધુનિક ઊર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓને મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે.આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે.

શા માટે જરૂરી છે BESS?

રાજ્યમાં સોલાર તેમજ રિન્યૂએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે.જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઇ શકતું નથી.દિવસ દરમિયાન વધારાના વીજ ઉત્પાદનને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો સાંજના સમયે જ્યારે માંગ વધારે હોય ત્યારે તે વીજ જથ્થાને વહેંચી શકાય છે.અત્યારે સાંજના સમયે જ્યારે અચાનક માંગ વધે ત્યારે વીજ પુરવઠો પૂરો પાડતી ગ્રીડ પર લૉડ વધે છે.આ સ્થિતિમાં ગ્રીડ સ્થિર રહે તેના માટે પણ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ જરૂરી છે.રાજ્ય સરકાર આ દિશામા જ આગળ વધી રહી છે.

ગુજરાત સરકારનું સ્માર્ટ આયોજન

ગુજરાતમાં બેટરી સ્ટોરેજ વ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે.સ્પર્ધાત્મક બીડિંગ દ્વારા કંપનીઓને આ ક્ષેત્રમાં આમંત્રિત કરવામાં આવી રહી છે.બેટરી સ્ટોરેજ રિન્યૂએબલ પ્રોજેક્ટની નજીક લગાવવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી વધારાની ઊર્જા ઝડપથી સ્ટોર કરી શકાય અને ટ્રાન્સમિશન લૉસ અને વેડફાટને અટકાવી શકાય.ગેટકો અને પાવર વિતરણ કંપનીઓ સ્માર્ટ પ્લાનિંગ સાથે ગ્રીડની ક્ષમતા અનુસાર બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટેના સ્થળની પસંદગી કરે છે.આ વ્યવસ્થા દ્વારા બેટરી સ્ટોરેજ માત્ર વીજળીનો સંગ્રહ જ નહિ કરે પરંતુ સાથોસાથે ગ્રીડને વૉલ્ટેજ અને ફ્રિક્વન્સીનો સહયોગ આપીને સ્થિર રાખશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે મદદરૂપ બનશે.



આ પણ વાંચોઃ Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો