ગુજરાતના ખેડૂતો ખરીફ અને રવિ સિઝન દરમિયાન વાવણીની તૈયારીઓ કરતા હોય છે ત્યારે જ કેટલાક લેભાગુ તત્વો નકલી ખાતર અને ખરાબ બિયારણ પધરાવીને ખેડૂતોનો આખો પાક નિષ્ફળ બનાવી દેતા હોય છે. ખેડૂતોની આ આર્થિક પાયમાલી અટકાવવા માટે ગાંધીનગર કૃષિ ભવન દ્વારા એક અત્યંત કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં સક્રિય થયેલી 85 વિજિલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ 3,526 એકમો પર આકસ્મિક દરોડા પાડીને ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત, સબસિડીવાળા સરકારી યુરિયા ખાતરનો ઉદ્યોગોમાં ગેરકાયદેસર વપરાશ અટકાવવા માટે ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 ઔદ્યોગિક એકમોનું પણ કડક ઓડિટ કરવામાં આવ્યું છે.


બિયારણ અને દવાના 1060 નમૂના લેબોરેટરીમાં

દરોડા દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા ખાતર અને જંતુનાશક દવાઓના 1,060 જેટલા નમૂનાઓ સીલ કરીને સરકારી લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલી આપ્યા છે. જો આ સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ કે ફેઇલ જાહેર થશે તો સંબંધિત એગ્રો સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ કંપની સામે ગુનો નોંધાશે. કાયદાકીય શરતોનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં 752 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર ક્ષતિઓ બદલ ૪૨ ખાતર વિક્રેતાઓના પરવાના (લાયસન્સ) કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

PBM એક્ટ હેઠળ કડક ગુનો નોંધાશે

સરકારની આ વખતની મોડસ ઓપરેન્ડી ખૂબ કડક છે. સામાન્ય દંડ કરવાને બદલે આ વર્ષે કાળાબજાર અને ભેળસેળ કરનારા તત્વો સામે 'પ્રિવેન્શન ઓફ બ્લેકમાર્કેટિંગ (PBM) એક્ટ' હેઠળ ગુનો નોંધવાની મંજૂરી અપાઈ છે. આ કાયદા હેઠળ પકડાનારા તત્વોને જામીન મળવા પણ મુશ્કેલ બને છે. કૃષિ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને છેતરતા કોઈપણ વેપારી કે કંપનીને બક્ષવામાં આવશે નહીં અને આ તપાસ આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ વધુ તેજ કરવામાં આવશે.

આ પણ વાંચો: Limbdi: વિવાદાસ્પદ શિક્ષકની મનમાની સામે ત્રીજા દિવસે પણ વાલીઓ-વિદ્યાર્થીઓનો ઉગ્ર બહિષ્કાર

  • Follow us on: