લીંબડી તાલુકાના અંતરિયાળ નળકાંઠા વિસ્તારના ભગવાનપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા છેલ્લા ત્રણ દિવસથી શિક્ષણ કાર્ય વગર સુની પડી છે. શાળામાં નિયમિત આવતા માસૂમ બાળકો વર્ગખંડમાં બેસવાને બદલે બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા મજબૂર બન્યા છે. આ આખી આફત પાછળ શાળાના જ એક વિવાદાસ્પદ શિક્ષક જાદવભાઈ ડાભીનું વર્તન જવાબદાર હોવાના આક્ષેપો પંચાયત અને ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યા છે. વાલીઓનો આરોપ છે કે આ શિક્ષક શાળાને પોતાની જાગીર સમજીને દાદાગીરી કરે છે અને બાળકો પર ખોટો રોફ જમાવે છે.


જૂનો વિવાદ અને તંત્રની લાચારી

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષક જાદવભાઈ ડાભીની આવી જ મનમાની અને અસહ્ય વર્તનના કારણે ભૂતકાળમાં પણ મોટો વિવાદ થયો હતો, જેના પગલે વન વિભાગ અને શિક્ષણ વિભાગના દબાણ હેઠળ તંત્રએ તેની બદલી અન્ય જગ્યાએ કરી દીધી હતી. પરંતુ, આ શિક્ષકે કથિત રાજકીય વગ અથવા વહીવટી છટકબારીનો ઉપયોગ કરીને ટૂંકા જ સમયમાં ફરીથી ભગવાનપર પ્રાથમિક શાળામાં જ પોતાનું પોસ્ટિંગ કરાવી લીધું અને ફરજ પર હાજર થઈ ગયો. આ બાબતની જાણ થતાં જ વાલીઓનો પિત્તો ગયો હતો અને તેમણે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તેમને શાળાએ મોકલવાનું જ બંધ કરી દીધું છે.

શિક્ષણ વિભાગની ટીમ દોડી, ગ્રામજનો આરપારના મૂડમાં

ગામના છેવાડાના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં જ લીંબડી તાલુકા શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે. તાલુકા કેળવણી નિરીક્ષક પોતાની ખાસ ટીમ સાથે ભગવાનપર ગામે શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગામના સરપંચ, અગ્રણીઓ અને વાલીઓ સાથે બેઠક યોજી હતી. તંત્ર દ્વારા આ મામલે એક સ્પેશિયલ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ને સોંપશે. બીજી તરફ, ભગવાનપર ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જ્યાં સુધી આ શિક્ષકની અહીંથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં નહીં આવે, ત્યાં સુધી એક પણ બાળક શાળાના પગથિયાં ચઢશે નહીં.

આ પણ વાંચો: Surat: કોહીનૂર સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો

  • Follow us on: