આજે ગુજરાત વિધાનસભાના સત્રનો 19મો દિવસ છે. આજે સત્ર દરમિયાન ગૃહમાં અશાંતધારાનો મુદ્દો ગુંજશે. ગૃહમાં બે તબક્કામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી હસ્તકના ચાર વિભાગની ચર્ચાઓ થશે. બજેટ માંગણી તેમજ મતદાન અંગે ચર્ચાઓ થશે. પ્રથમ બેઠક સવારે 9 વાગ્યાથી શરૂ થશે. જ્યારે બપોરે અઢી વાગ્યે બીજી બેઠક મળશે. બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરાશે. આ ઉપરાંત ચાર બિનસરકારી વિધેયક પણ લવાશે.
વિધાનસભામાં અશાંત ધારાનો મુદ્દો ગૂંજશે
આજે ગુજરાત વિધાનસભામાં અશાંત ધારાનો મુદ્દો ગૂંજશે. રાજ્યમાં અનેક જગ્યાએ અશાંતધારાનો ભંગ થતો હોવાની ફરિયાદો વારંવાર સરકારને મળી છે. અમદાવાદમાં તાજેતરમાં જ જગતપુર અને ગોદરેજ ગાર્ડન સિટી એરિયા અને વંદેમાતરમ વિસ્તાર સહિતની 100 કરતાં વધુ સોસાયટીઓ દ્વારા અશાંત ધારા મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું છે. આગામી સમયમાં હજુ વધુ સોસાયટીઓ આ અભિયાનમાં જોડાશે.આ વિસ્તારના સ્થાનિકોની માગ છે કે સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરી હિન્દુ સિવાય અન્ય ધર્મના લોકોને મિલકતના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે.
