રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી વર્તાઈ રહેલી પેટ્રોલ અને ડીઝલની અછતની સમસ્યાને લઈને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ખાસ કરીને ગ્રામીણ પંથકના નાગરિકો અને ખેડૂતોને થઈ રહેલી પરેશાનીનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. મુખ્યમંત્રીએ તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા છે કે, રાજ્યના કોઈપણ ખૂણે નાગરિકોને ઇંધણ મેળવવામાં હાલાકી ન પડવી જોઈએ અને જ્યાં પણ અછત છે ત્યાં ત્વરિત પુરવઠો પહોંચાડવામાં આવે.

માંગમાં 35 થી 40 ટકાનો તોતિંગ વધારો

કેબિનેટ બેઠક બાદ સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35 થી 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. લોકોમાં અછતની ભીતિને કારણે એકસાથે પેટ્રોલ પંપ પર ખરીદી કરવા પહોંચી રહ્યા છે, જેના લીધે અચાનક ડિમાન્ડ વધી ગઈ છે અને વ્યવસ્થા પર દબાણ ઊભું થયું છે. જો કે, વધતી માંગ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે નવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

અફવાઓથી સાવધાન રહેવા સરકારની અપીલ

સરકારે રાજ્યના તમામ નાગરિકોને ઇંધણ ખૂટી પડવાની ખોટી અફવાઓથી સાવધાન રહેવા અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ, અછતગ્રસ્ત વિસ્તારોમાં ઓઇલ કંપનીઓ સાથે સંકલન સાધીને ટેન્કરો દ્વારા વધારાનો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો છે. તંત્ર એકસાથે તમામ જગ્યાએ પુરવઠો પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં જ સમગ્ર સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.


આ પણ વાંચો----  Gandhinagar : વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન