ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના સંચાલનને વધુ સુદ્રઢ કરવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. અગાઉ 17 જાન્યુઆરીના રોજ મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવા અંગે જાહેર કરાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી વિસંગતતાઓ અને ક્ષતિઓ સામે આવી હતી. આ ક્ષતિઓને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે જૂનો પરિપત્ર રદ કરીને સંપૂર્ણપણે નવા નીતિ-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે શાળાઓમાં HTAT (Head Teacher Aptitude Test) પાસ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર નથી, ત્યાં વહીવટ કેવી રીતે ચલાવવો તેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અને ટાઈમ-ટેબલ
નવા નિયમો અનુસાર, શાળાના સૌથી શ્રેયાન અને અનુભવી શિક્ષકને જ મુખ્યશિક્ષક તરીકેની વહીવટી જવાબદારી સોંપવામાં આવશે. જો કોઈ વિસ્તારમાં મુખ્યશિક્ષકની જગ્યા લાંબા સમયથી ખાલી હોય, તો નજીકની શાળામાંથી ચાર્જ સોંપવા માટે ૧૫ કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓને વહીવટી કામગીરીમાં અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, જે શિક્ષકોને બે શાળાઓની જવાબદારી સંભાળવાની થશે, તેમના શૈક્ષણિક કાર્ય પર અસર ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ ટાઈમ-ટેબલ (સમયપત્રક) પણ તૈયાર કરવામાં આવ્યું છે.










