ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં આવેલા બાલાજી એસ્ટેટમાં આજે અચાનક એક કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મધ્યપ્રાંતના મિલ મજૂરો અને અન્ય સ્ટાફ કામ કરી રહ્યો હતો તે દરમિયાન ‘કૈલાશ સિન્થેટિક’ નામની કાપડની ફેક્ટરીમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી તીવ્ર બની ગઈ હતી કે આખી ફેક્ટરી તેની ઝપેટમાં આવી ગઈ હતી.
કાપડના જથ્થાએ આગમાં ઘી હોમ્યું
ટેક્સટાઇલ ફેક્ટરી હોવાના કારણે અંદર મોટા પ્રમાણમાં કાચું કાપડ, યાર્ન અને પ્રોસેસિંગ મટીરિયલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ લાગી હોવાની ખબર પડતાં જ આસપાસની અન્ય કંપનીઓના કારીગરો અને માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ખુલ્લા મેદાન તરફ દોડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.










