ગુજરાતમાં તલાટીઓને રખડતા શ્વાન શોધવાની સૂચના આપવામાં આવી છે.ગ્રામ વિકાસ કમિશનર તરફથી તલાટીઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પરિપત્ર કરવામાં આવ્યો છે.આ પરિપત્ર સામે તલાટી મંડળે ચીમકી ઉચ્ચારી છે. પરિપત્ર રદ નહીં થાય તો તલાટી કામગીરી નહીં કરે.

પરિપત્ર સામે હવે તલાટીઓએ બાંયો ચઢાવી

ગ્રામ વિકાસ કમિશ્નરના પરિપત્ર સામે હવે તલાટીઓએ બાંયો ચઢાવી છે. તલાટી મંત્રી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, જ્યાં સુધી ગ્રામ વિકાસ કમિશ્નરનો પત્ર રદ નહીં થાય ત્યાં સુધી તલાટી કામગીરી નહીં કરે. તલાટી મહામંડળે રખડતા શ્વાન અંગે પરિપત્ર રદ્દ કરવાની માંગ કરી છે. તલાટી મહામંડળ દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, પહેલાથી જ તલાટીઓને એકથી વધુ ગામની કામગીરી સોંપવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે પશુ કામગીરીની કોઈપણ તાલીમ નહીં ધરાવતા કર્મચારી કે અધિકારીને આ પ્રકારની કામગીરી સોંપવી યોગ્ય નથી.

ગ્રામ વિકાસ કમિશનરે તલાટીઓને રખડતા શ્વાન શોધવા સૂચના આપી

ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર કરીને તલાટીઓને રખડતા શ્વાન શોધવા અને તેઓ ક્યાં રહે છે તે જગ્યા શોધવાની સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર પ્રમાણે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી મંત્રી, તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ નિયામક(પશુપાલન) દરેક સંસ્થાએ પરિસરની સ્વચ્છતા અને રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાના રહેશે. જેમની વિગતો નોડલ અધિકારીના કાર્યક્ષેત્ર હેઠળની તમામ સરકારી સંસ્થાઓના પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાની રહેશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: માવઠાની સહાય માટે 29 લાખ અરજીઓ આવી, 4.91 લાખ ખેડૂતોને 1100 કરોડ ચૂકવાયા