ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 જૂનના રોજ લેવાનારી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની 'NEET' પરીક્ષા તે જ દિવસે હોવાને કારણે વહીવટી અનુકૂળતા ખાતર પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
કઈ-કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી?
પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ વિવિધ ટેકનિકલ અને સ્પેશિયલ કેડર માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાઓ હાલ સ્થગિત કરવામાં આવી છે, તેમાં નીચેની કેડરનો સમાવેશ થાય છે.
- વાયરલેસ પીએસઆઈ (Wireless PSI)
- એમટી પીએસઆઈ (MT PSI)
- હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને મેકેનિક
આ તમામ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.
https://twitter.com/GPRB_GNR/status/2057071529054330940
NEET પરીક્ષાના કારણે લેવાયો નિર્ણય
21 જૂનના રોજ જ દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની NEET ની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે બે મોટી પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલી ન પડે અને વહીવટી વ્યવસ્થા જળવાઈ રહે, તે હેતુથી પોલીસ ભરતી બોર્ડે પોતાની પરીક્ષા આગળ ઠેલવાનો નિર્ણય કર્યો છે.

નવી તારીખ ટૂંક સમયમાં
પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ લેખિત પરીક્ષાઓ રદ્દ નથી થઈ, માત્ર હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની નવી તારીખ હવે પછી ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar : ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે કેબિનેટમાં ચર્ચા, ઇંધણનો પુરવઠો તાત્કાલિક પહોંચાડવા આદેશ