રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાને લઈને બજારમાં ગેરરીતિ થતી હોવાની આશંકા વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ (DSO) ને એક સત્તાવાર પત્ર લખીને કડક ચેકિંગ હાથ ધરવા સૂચના આપી છે. આ આદેશનો મુખ્ય હેતુ બજારમાંથી પેટ્રોલ-ડીઝલ ગાયબ કરીને કટોકટી ઊભી કરતા તત્વો પર લગામ કસવાનો છે.
બેરલ કે કેનમાં ઈંધણ આપવા પર કેમ મૂકાયો પ્રતિબંધ?
નવા પરિપત્ર અનુસાર, હવેથી કોઈ પણ પેટ્રોલ પંપ ધારક ગ્રાહકને ખુલ્લા બેરલ, ગેલન, કેન કે અન્ય કોઈ પણ પાત્રમાં પેટ્રોલ કે ડીઝલ આપી શકશે નહીં. ઈંધણ માત્ર અને માત્ર જે-તે વાહનની સત્તાવાર ટાંકીમાં જ ભરી આપવાનું રહેશે. ઘણીવાર બૂટલેગરો અથવા મોટા સંગ્રહખોરો પંપ પરથી હજારો લીટર ડીઝલ બેરલોમાં ભરીને સંગ્રહ કરી લેતા હોય છે, જેના કારણે સામાન્ય વાહનચાલકોને મુશ્કેલી પડે છે અને બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે. આ દૂષણને ડામવા માટે જ ખુલ્લા પાત્રોમાં ઇંધણ આપવા પર સદંતર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
