ગુજરાતમાં સંગઠિત ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટેના કડક કાયદા ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગાંધીનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટનગરના સેક્ટર-7 પોલીસ મથકે કુખ્યાત ભરત સુખભાઈ રબારી અને તેની ગેંગના કુલ 6 સાગરીતો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જમીન પચાવી પાડવાથી લઈને કરોડોના સટ્ટાના કાળા કારોબાર સુધી આ ગેંગનું નેટવર્ક ફેલાયેલું હતું.
ભૂમાફિયા અને સટ્ટાખોરીનું સામ્રાજ્ય
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ભયાનક હતી. તેઓ કિંમતી જમીનો પચાવી પાડવા માટે માલિકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જમીન ખાલી કરાવતા હતા. એટલું જ નહીં, સટ્ટાની દુનિયામાં પણ આ ગેંગનો ભારે આતંક હતો; લોકો પાસે ધાક-ધમકી આપીને કરોડો રૂપિયા પડાવતા હતા. મુખ્ય આરોપી ભરત રબારી સામે અગાઉ ફાયનાન્સ અને મારામારી જેવા 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગનું જાળું ગાંધીનગર ઉપરાંત પાટણ અને સુરેન્દ્રનગર સુધી ફેલાયેલું હતું.
પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ
પોલીસે આ ગેંગના સભ્યોની યાદી તૈયાર કરી છે, જેમાંથી મોટાભાગના હાલ જેલના સળિયા પાછળ છે.ધરપકડ કરાયેલ અજમલભાઈ સુખાભાઈ રબારી.
હાલ પાટણ સબ જેલમાં સજા ભોગવતા અન્ય આરોપીઓ ભરતભાઇ સુખાભાઈ રબારી (મુખ્ય સૂત્રધાર),હરિભાઈ સુખાભાઈ રબારી,બળદેવભાઈ વિરમભાઈ રબારી ભોજાભાઈ ભૂરાભાઈ ભરવાડ,રવિભાઈ સવતી ભાઈ નાયી.










