ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ એક મહત્વપૂર્ણ સંસદીય પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેઠા ભરવાડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપાધ્યક્ષ પદ પર ભાજપના દિગ્ગજ નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ચૂંટાઈ આવ્યા છે.


વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદી

આજરોજ સત્રની શરૂઆતમાં શોકદર્શક ઉલ્લેખો બાદ ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર મેદાનમાં હતા. જોકે, ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી ધ્વનિ મત દ્વારા પૂર્ણેશ મોદીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ તેમને માનપૂર્વક આસન સુધી દોરી ગયા હતા, જ્યાં તેમણે વિપક્ષી નેતાની બાજુમાં પોતાનું આસન ગ્રહણ કર્યું હતું.

બૂથ લેવલથી કેબિનેટ સુધીની સફર

પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર, 1965ના રોજ સુરતમાં થયો હતો. એક સામાન્ય પરિવારમાંથી આવતા પૂર્ણેશભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત ભાજપના બૂથ કાર્યકર તરીકે કરી હતી. B.Com અને LLB (વકીલાત) નો અભ્યાસ કરનાર મોદીએ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા અને શહેર પ્રમુખ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી છે. 2017માં તેઓ રેકોર્ડબ્રેક મતોથી ચૂંટાયા બાદ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.

પૂર્ણેશ મોદીની ક્લીન ઈમેજ

પૂર્ણેશ મોદીની ક્લીન ઈમેજ અને ઓબીસી (OBC) ચહેરા તરીકેની ઓળખ ભાજપ માટે હંમેશા પ્લસ પોઈન્ટ રહી છે. રાષ્ટ્રીય સ્તરે તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમના દ્વારા કરવામાં આવેલા 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ હતી અને તેમનું સાંસદ પદ જોખમમાં મુકાયું હતું. આજે ઉપાધ્યક્ષ તરીકે તેમની વરણીને તેમના રાજકીય પુનરાગમન તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Gandhinagar: પૂર્ણેશ મોદી નવા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા, ધ્વનિ મતથી યોજાઈ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી

  • Follow us on: