ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ અને કંપનીઓ માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. બદલાતા સમય અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) કલ્ચરને વધુ પ્રોત્સાહન આપવા અંગે વિચારણા કરી રહી છે.

ઓનલાઈન કામ માટે કરાશે પ્રયાસ

મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, જે ક્ષેત્રોમાં ઓનલાઈન કામ કરવું શક્ય છે, ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. આનાથી માત્ર કર્મચારીઓની સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ વ્યવસ્થાપનમાં પણ સરળતા રહેશે.

એસોસિયેશન સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય

આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું કે, વર્ક ફ્રોમ હોમની શક્યતાઓને ચકાસવા માટે અમે સંબંધિત બિઝનેસ એસોસિયેશનો અને કોર્પોરેટ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં બેઠક યોજીશું. તમામ પાસાઓની ચર્ચા કર્યા બાદ અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલની બચત પર ભાર

સરકારના આ વિચાર પાછળનું એક મુખ્ય કારણ ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડવાનું પણ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જો વધુ લોકો ઘરેથી કામ કરશે તો વાહનવ્યવહાર ઘટશે, જેનાથી પેટ્રોલ અને ડીઝલની મોટી બચત થશે. સરકાર તમામ જરૂરી સૂચનાઓ અને પ્રોટોકોલનું પાલન કરીને આ દિશામાં આગળ વધવા માંગે છે.


આ પણ વાંચો - Gandhinagar News: મુખ્યમંત્રીના આઉટડોર કાર્યક્રમો વર્ચ્યુઅલી યોજવા વિચારણા