વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ કરેલી કેટલીક અપીલ બાદ સરકાર એક્શનમાં આવી છે અને અમલીકરણને લઈને ફટાફટ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. વડાપ્રધાને ઈંધણ બચાવવા માટે લોકોને અપીલ કરી હતી. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સહિત ઓફિસોમાં મીટિંગો વર્ચ્યુઅલી રાખવી, વર્ક ફ્રોમ હોમ જેવી પ્રવૃત્તિ ફરી શરૂ કરવા જેવા અનેક મુદ્દા સામેલ હતાં. ત્યારે ગુજરાત સરકારે આ માટે એક્શન શરૂ કરી છે.
વડાપ્રધાન મોદીની અપીલ બાદ સરકાર એક્શનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. તેઓ પોતાના કાફલામાં પણ ત્રણ કાર રાખશે. જ્યારે રાજ્યપાલ પણ પોતાના કાફલાની જગ્યાએ બસ અને ટ્રેનમાં પ્રવાસ કરશે.
