ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા સચિવાલય પ્રશાસન સ્તરે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, સચિવાલય સેવાના વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 18 સેક્શન અધિકારીઓને (કાયદાકીય બાજુ) ઉપ સચિવ વર્ગ-1 સંવર્ગમાં હંગામી ધોરણે ઈન-સીટુ બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. આ આદેશો અંતર્ગત અધિકારીઓના પગાર ધોરણમાં પણ મોટો ફેરફાર થશે, જેમાં તેઓને પે મેટ્રીક્સ લેવલ-8 (રૂ. 44,900-1,42,400) માંથી હવે પે મેટ્રિક્સ લેવલ-10 (રૂ. 56,100-1,77,500/-) નું નવું પગાર ધોરણ મળવાપાત્ર થશે .
હાલની જગ્યાઓને જ ઉપ સચિવ સંવર્ગમાં અપગ્રેડ કરાઈ
સરકારના હુકમ અનુસાર, બઢતી મેળવનાર તમામ 18 અધિકારીઓને હાલ પૂરતી તેઓની વર્તમાન સેક્શન અધિકારીની જગ્યાએ જ કામગીરી બજાવવા માટે નિમણૂક આપવામાં આવી છે . આ અધિકારીઓ જ્યાં સુધી પોતાની હાલની જગ્યાએ કામગીરી બજાવશે, ત્યાં સુધી તે જગ્યાઓને ઉપ સચિવ સંવર્ગમાં અપગ્રેડ થયેલી ગણવામાં આવશે . ત્યારબાદ જ્યારે આ અધિકારીઓની ઉપ સચિવની જગ્યાએ વિગતવાર નિમણૂકના હુકમો થશે અને તેઓ નવી જગ્યાએ હાજર થશે, ત્યારથી આ જગ્યાઓ ફરીથી સેક્શન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ થઈ જશે . આ તમામ અધિકારીઓની વિગતવાર નિમણૂકના હુકમો હવે પછીથી અલગથી જાહેર કરવામાં આવશે .
બઢતી મેળવનાર 18 અધિકારીઓની યાદી
કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ પ્રમોશન મેળવનાર અધિકારીઓ અને તેમની કચેરીઓની વિગત નીચે મુજબ છે :
- યુ. બી. દેસાઇ - સરકારી વકીલશ્રીની કચેરી, કાયદા વિભાગ
- જે. એસ. ખટાણા - કાયદા વિભાગ
- એસ. એસ. ખટાણા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
- કે. પી. દેસાઈ - આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ, કાયદા વિભાગ
- પી. કે. બારોટ - કાયદા વિભાગ
- બી. ડી. પરમાર - કાયદા વિભાગ
- એ. .બી. રાદડીયા - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ)
- એન. એચ. રાવલ - કાયદા વિભાગ
- કે. વી. સારગાણી - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: ગૃહ વિભાગ)
- એમ. ટી. દેસાઈ - કાયદા વિભાગ
- ટી. વાય. રાધનપુરા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
- એસ. એસ. પ્રજાપતિ - ગૃહ વિભાગ
- જે. એમ. પરમાર - કાયદા વિભાગ
- આર. બી. કંથારીયા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
- વી. આર. પંચાલ - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
- વી. બી. નાગર - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: ગૃહ વિભાગ)
- એમ. એલ. મોડીયા - કાયદા વિભાગ
- એચ. બી. પટેલ - ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ, કાયદા વિભાગ
રાજ્યપાલના હુકમથી સત્તાવાર નોટિફિકેશન જાહેર
આ સમગ્ર વહીવટી પ્રક્રિયા ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે કાયદા વિભાગના ઇન્ચાર્જ ઉપ સચિવ (મહેકમ) સી. વી.બ્રહ્મભટ્ટ દ્વારા સત્તાવાર અધિસૂચના (નોટિફિકેશન) મારફતે જાહેર કરવામાં આવી છે . આ આદેશની નકલ સચિવાલયના તમામ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રીની કચેરી તેમજ પગાર અને હિસાબી અધિકારીને આગળની જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - વાંચો 31 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે