31 મે 2026નો દિવસ દેશ અને દુનિયા માટે રમતગમત, રાજકારણ અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે આઈપીએલ 2026નો ભવ્ય ફાઇનલ મુકાબલો રમાશે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. આ ઉપરાંત, ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આકાશમાં વર્ષનો પ્રથમ દુર્લભ ‘બ્લુ મૂન’ નજરે પડશે. વૈશ્વિક સ્તરે 31 મેના રોજ કેન્સર અને નિકોટીનના જોખમો સામે જાગૃતિ લાવવા માટે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' પણ ઉજવવામાં આવશે.


અમદાવાદમાં IPL 2026ની ભવ્ય ફાઇનલ: GT અને RCB વચ્ચે ટક્કર

ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. 31 મેના રોજ આઈપીએલ 2026 (IPL 2026) નો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા માટે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની ટીમો સામસામે ટકરાશે, જેને પગલે સ્ટેડિયમમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


વડાપ્રધાન મોદીની 'મન કી બાત' અને કેન્દ્રીય મંત્રીઓના મહત્વના પ્રવાસો

31 મેની સવારે 11:00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના મેઘાલય પ્રવાસનો 31 મેના રોજ અંતિમ દિવસ છે, જ્યાં તેઓ પૂર્વોત્તર સંપર્ક સેતુ પહેલની સમીક્ષા કરશે. રાજદ્વારી સ્તરે, મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યૂ મિન આુંગ હ્લાઈંગ વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. 31 મેના રોજ સવારે 10 વાગ્યે ભારત-મ્યાનમાર વ્યાપાર મંચનું આયોજન કરવામાં આવશે.


કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક લેશે સમીક્ષા બેઠક: વિપક્ષ નેતા પદ અંગે ચર્ચા

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીલક્ષી આંતરિક આકલન માટે 31 મેના રોજ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 31 મેના રોજ મધ્ય ઝોનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરની ચૂંટણીઓમાં પક્ષની હારના મુખ્ય કારણો અંગે વિસ્તૃત અને આકરી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રદેશ માળખામાં લાંબા સમયથી બાકી રહેલી નિમણૂકોના મુદ્દે આખરી ઓપ આપવામાં આવશે, તેમજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં (મનપા) ખાલી પડેલા વિપક્ષના નેતા પદ માટે સંભવિત નામો પર ગંભીર મંથન કરી આખરી નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


નવસારીમાં સી.આર. પાટીલનું ચોમાસા પૂર્વેની કામગીરીનું નિરીક્ષણ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ 31 મેના રોજ પોતાના સંસદીય મતક્ષેત્ર નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ રોકવા માટે હાલમાં વરસાદી કાંસની સફાઈ અને વિસ્તરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સી.આર. પાટીલ પોતે આ ચાલી રહેલા વરસાદી કાંસના કામોનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે અને અધિકારીઓને જરૂરી સૂચનો આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ નવસારી ખાતે કાર્યકરો સાથે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' પણ સાંભળશે.


ગઢડાના વનાળી ગામે કોળી સમાજનો પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારોહ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વનાળી ગામે સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક પ્રોત્સાહનનો એક અનોખો ત્રિવેણી સંગમ રચાશે. 31 મેના રોજ સાંજના 5:00 કલાકે યુવા કોળી સમાજ દ્વારા ગામના પ્રથમ 'તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ' ખૂબ જ ભવ્ય સ્તરે આયોજિત કરવામાં આવ્યો છે. સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં કોળી સમાજના અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધારશે.


ભીષણ ગરમી વચ્ચે રાહત: 10 રાજ્યોમાં આંધી-તૂફાન અને વરસાદનું એલર્ટ

દેશના મોટાભાગના વિસ્તારોમાં લૂ અને અસહ્ય ગરમીથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 31 મેના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 10 રાજ્યોમાં આગામી 15 કલાકની અંદર વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી મોટી રાહત મળશે.


ઉત્તર પ્રદેશમાં નવી ફેક્ટરીનું લોકાર્પણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 31 મેના રોજ ગોરખપુરના 'ગીડા' (GIDA) ખાતે રાજ્યના બીજા 'ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ'નું ઉદ્ઘાટન કરશે, જેમાં 80 જેટલી MSME યુનિટ્સ કાર્યરત થશે અને આશરે 1000 લોકોને રોજગારીની નવી તકો મળશે.


કેરળમાં ઉપરાષ્ટ્રપતિનો કાર્યક્રમ

31 મેના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન કેરળના કોટ્ટયમ ખાતે કેથલિક ચર્ચના મુખપત્ર એવા દૈનિક અખબાર 'દીપિકા'ની 140મી વર્ષગાંઠની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને મુખ્યમંત્રી વી.ડી. સતીશન પણ હાજર રહેશે.


આકાશમાં અદભુત નજારો: વર્ષનો પ્રથમ દુર્ભલ 'બ્લુ મૂન' દેખાશે

ખગોળપ્રેમીઓ માટે 31 મેની રાત અત્યંત રોમાંચક સાબિત થવાની છે. અંતરિક્ષ એજન્સી નાસા અને અર્થસ્કાયના અહેવાલો અનુસાર, આકાશમાં દુર્લભ 'બ્લુ મૂન'નો અદભુત નજારો જોવા મળશે. ઓગસ્ટ 2023 પછીનો આ પ્રથમ કેલેન્ડર બ્લુ મૂન છે. જોકે, તેની ભ્રમણકક્ષાની સ્થિતિને લીધે તે કદમાં સામાન્ય કરતાં થોડો નાનો દેખાશે, પરંતુ વિશ્વભરના આકાશ દર્શકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે.


વિદ્યાર્થીઓ અને ટેક્સપેયર્સ માટે મહત્વની ડેડલાઇન

31 મેનો દિવસ શૈક્ષણિક અને નાણાકીય ક્ષેત્રે ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખનો દિવસ છે.

IIT મદ્રાસ પ્રવેશ: આઈઆઈટી મદ્રાસના ડેટા સાયન્સ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, મેનેજમેન્ટ અને એરોનોટિક્સ ક્ષેત્રના BS ડિગ્રી પ્રોગ્રામમાં ઓનલાઈન અરજી કરવાનો 31 મેના રોજ છેલ્લો દિવસ છે.

SFT ફાઇલિંગ: નાણાકીય વર્ષ 2026-27 માટેના 'સ્ટેટમેન્ટ ઓફ સ્પેસિફાઈડ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ' (SFT) ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ 31 મે છે, જેમાં પાન (PAN) ની વિગતો બરાબર ચકાસવી અનિવાર્ય છે. ત્યારબાદ 1 જૂનથી ગેસના ભાવોમાં પણ નવો ફેરફાર થઈ શકે છે.


વિશ્વ તમાકુ નિષેધ દિવસ: નિકોટીન મુક્ત સમાજ માટે જાગૃતિ

31 મેના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ નો ટોબેકો ડે' મનાવવામાં આવશે. આ વર્ષની થીમ તમાકુ ઉદ્યોગની રણનીતિઓનો સામનો કરવા અને યુવા પેઢીને નિકોટીન તેમજ તમાકુના જોખમી વ્યસનથી બચાવવા માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત છે.


ફ્રેન્ચ ઓપન 2026માં ટોચના ક્રમાંકિત ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર

આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે ફ્રેન્ચ ઓપન 2026માં રવિવારે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ટોચના ક્રમાંકિત ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.


આ પણ વાંચો - 30 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર