રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી કામગીરીને વધુ વેગવંતી અને અસરકારક બનાવવા માટે શનિવારે મોડી સાંજે મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યભરમાં ફરજ બજાવતા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી (Promotion) આપી નવી જવાબદારી સોંપવામાં આવી છે.


37 મામલતદારોની બદલી

વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓના મામલતદારોને અન્ય તાલુકા કે જિલ્લાઓમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ જેવી મહત્વની કચેરીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.

165 અધિકારીઓને બઢતી

લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા 165 નાયબ મામલતદારોને હવે મામલતદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નિયુક્ત કરાયા છે.

મતદારયાદી બાદની પ્રક્રિયા

નોંધનીય છે કે, રાજ્યમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરી પૂર્ણ થયા બાદ આ બદલીઓ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રમાં આટલા મોટા પાયે થયેલા ફેરફારોને કારણે આગામી સમયમાં મહેસૂલી કામગીરી અને જનસેવાની સુવિધાઓમાં વધુ ગતિ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 18 ફેબ્રુઆરીથી આ ટ્રેન પાટા પર દોડતી થશે

  • Follow us on: