આજે સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય તંત્રના પાયાનું કામ કરતી આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને વર્ષોથી થતા શોષણ સામે વિરોધ પ્રદર્શન કરીને આ દિવસને 'આક્રોશ દિવસ' તરીકે મનાવ્યો છે.
કાળી પટ્ટી ધારણ કરી રેલીનું આયોજન
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલી આશા વર્કર બહેનોએ હાથ પર અને માથા પર કાળી પટ્ટી ધારણ કરી 'મહિલા આક્રોશ રેલી'નું આયોજન કર્યું હતું. આ રેલીમાં બહેનોએ સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી અને જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે દિવસ-રાત જોયા વગર કામ કરવા છતાં તેમનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે.










