વડાપ્રધાન મોદી આગામી 5 જૂન 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે.આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ 18777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં GIDC હેઠળ 1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.આ અંતર્ગત ભરૂચને 894 કરોડથી વધુના અને વલસાડને 169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે.

6 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન 894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.દહેજ PCPIR ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડ ફોલ પોઇન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.તેમાં 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે સિવિલ સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રો-મિકેનિકલ કમ્પોનન્ટ્સ અને પીએલસી સ્કાડા સિસ્ટમ્સની ડિઝાઇન, ઇરેક્શન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે.474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે.

માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે

દહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં મુખ્યત્વે રાસાયણિક, ટેક્સટાઈલ, ફાર્મા, ડાઈઝ અને ઈન્ટરમીડીયેટ, ઈજનેરી ઉદ્યોગોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારમાં 1,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે.

વલસાડમાં 169 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 એમએલડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.અન્ય પ્રોજેક્ટ્સમાં અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. દહેજ-1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાન GIDCના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી